રિપોર્ટ@પટના: સુપ્રીમ કોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહના ઘરમાં ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપ્રીમ કોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહના ઘરમાં ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જજ તેમના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. પટના નિવાસસ્થાન પર ઘરની દેખરેખ માટે ગાર્ડ મો. મુસ્તાકીમ છે. ચોરીના સમયે મુસ્તાકીમ પોતાના ઘરે ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે કેરટેકર જજના ઘરે પહોંચ્યો ત્યારે તેને ચોરીની માહિતી મળી. આ ઘટના પાટલીપુત્ર કોલોનીમાં ઘર નંબર 133માં બની હતી. આ તેમનું અંગત રહેઠાણ છે.
માહિતી મળતાં જ પાટલીપુત્રા પોલીસ સ્ટેશનની પોલીસ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે હાલ પાટલીપુત્રા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ મોટા કેસોની સુનાવણી કરી છે. NEET પેપર લીકનો એક મામલો પણ છે, જેમાં તેમણે વેકેશન બેન્ચ સાથે આ કેસની સુનાવણી કરી હતી.
4 દિવસ પહેલા હજારીબાગમાં NEET પેપર લીક કેસમાં પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ થયો હતો. તપાસ દરમિયાન CBIએ કટકામદાગના ગેસ્ટ હાઉસને સીલ કરી દીધું હતું. જ્યાં ત્રણ દિવસ સુધી લોકોની અવરજવરના પુરાવા મળ્યા હતા. માહિતી મળ્યા બાદ દિલ્હી અને પટનાથી CBIની ટીમ હજારીબાગ પહોંચી અને તપાસ કરી.
અહસાનુદ્દીન અમાનુલ્લાહના મોટા ભાઈ અફઝલ અમાનુલ્લાહ બિહારના ગૃહ સચિવ રહી ચૂક્યા છે. અફઝલ પણ દિલ્હીમાં રહે છે. તેમની પત્ની પરવીન અમાનુલ્લાહ બિહાર સરકારમાં મંત્રી હતા, તેમનું અવસાન થયું છે. પાટલીપુત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ડીએસપી દિનેશ કુમાર પાંડેએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના જજના ઘરે ચોરીની માહિતી મળી છે. કેસ નોંધવામાં આવ્યો છે. ઘરમાં કોઈ ન હોવાના કારણે ચોરીની રકમનો અંદાજ આવી શક્યો નથી. સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા છે. તે વિસ્તારના કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ચોરની પણ ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.