ધમકી@દેશ: અરવિંદ કેજરીવાલને લોરેન્સ ગેંગની ધમકી, AAP ધારાસભ્યના ફોન પર આવ્યો કોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
AAP ના તિલક નગરના ધારાસભ્ય જરનૈલ સિંહના અંગત મોબાઈલ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરી પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ નો સભ્ય ગણાવ્યો હતો. આરોપીએ વોટ્સએપ પર મેસેજ મોકલી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને રૂપિયા ન આપે તો કેજરીવાલ અને તેમની દીકરી હર્ષિતાની હત્યા કરવાની ધમકી આપી હતી.
ધારાસભ્ય જરનૈલ સિંહે 6 નવેમ્બરના રોજ મોહાલી SSP ને આ અંગે લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે મોહાલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 308(4), 351(2)(3)(4) અને IT Act 66D હેઠળ અજાણ્યા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
વોટ્સએપ પ્રોફાઈલ પર 'H' નામ દેખાતું હતું અને ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ સાયબર સેલ આરોપીના મોબાઈલ નંબરની CDR, IP લોગ અને લોકેશન ટ્રેસ કરી રહી છે.

