વેપાર@દેશ: અચાનકજ થયો ઘટાડો,આસમાને આંબેલા શાકભાજીના ભાવ ચોકલેટ કરતાં પણ સસ્તા

 ફ્લાવર 10થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 
 
વેપાર@દેશ: અચાનકજ થયો ઘટાડો,આસમાને આંબેલા શાકભાજીના ભાવ ચોકલેટ કરતાં પણ સસ્તા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મહિના પહેલા આસમાને આંબેલા શાકભાજીના ભાવ હાલ બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તા થયા છે. ચોમાસાની સિઝન અંત તરફ આવતા શાકભાજીનું ભરપૂર ઉત્પાદન થઈ રહ્યું છે, જેના કારણે આવક વધતા હોલસેલ ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવ સામાન્ય થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ખેડૂતો મુશ્કેલીમાં 

ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતો હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતોનું કહેવું છે કે, તેમની પાસેથી પાણીના ભાવે શાકભાજી ખરીદવામાં આવે છે, જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે વચેટીયા વધુ કમાઈ રહ્યા છે. ત્યારે સરકાર ઓછા ભાવ અને નિકાસ અંગે પ્રયાસ કરે તેવી ખેડૂતોની માગ છે.

વચેટીયાઓ ખેડૂતોને રીતસરના લૂંટી રહ્યા છે. બજારમાં 20થી 50 રૂપિયા કિલોએ મળતા શાકભાજી ખેડૂતો પાસેથી ખૂબ જ સસ્તા ભાવે ખરીદવામાં આવે છે. હોલસેલ અને રીટેલમાં ખેડૂતોને મળતા શાકભાજીના કિલોદીઠ ભાવ પર નજર કરીએ તો ગુવાર 8થી 10 રૂપિયા, રિંગણ 6થી 8 રૂપિયા, મરચા 3થી 5 રૂપિયા, કારેલા 7થી 10 રૂપિયા, દૂધી 5થી 7 રૂપિયા, ભીંડો 12થી 15 રૂપિયા આપવામાં આવે છે.

ટામેટા 10થી 12 રૂપિયા, કોથમરી 15થી 20 રૂપિયા, કોબી 8થી 10 રૂપિયા, જ્યારે ફ્લાવર 10થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે. જ્યારે બજારમાં આ શાકભાજી પહોંચે ત્યારે તેના ભાવ બેથી ત્રણ ગણા વધારીને વેચવામાં આવી રહ્યા છે. રીટેલમાં આજ શાકભાજીને 30થી 50 રૂપિયા કિલોમાં વેચવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે.