વેપાર@દેશ: 4.70 ટન સોના અને 11.38 ટન ચાંદીની આયાત થઇ, જાણો શું છે કારણ

સોના-ચાંદીની આયાત વધવા પાછળ જુદા જુદા કારણ
 
વેપાર@દેશ: 4.70 ટન સોના અને 11.38 ટન ચાંદીની આયાત થઇ, જાણો શું છે કારણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના -ચાંદીની  આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે જેમ જેમ મહામારી ઓછી થતી ગઇ તેમ તેમ અને સોના-ચાંદીની ડિમાન્ડ વધતા ગુજરાત સહિત દેશભરમાં હવે સોના-ચાંદીની આયાતમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં સોના-ચાંદીની આયાતમાં ક્રમશ: વધારો થતો જોવા મળી રહ્યો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં સોના-ચાંદીની માગમાં વધારો થતો જઇ રહ્યો છે.જેના પગલે આયાત પણ વધી રહી છે.

અમદાવાદમાં ઓગસ્ટમાં થયેલા સોના-ચાંદીની આયાતની વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં લગભગ 4.70 ટન સોનાની આયાત અને 11.38 ટન ચાંદીની આયાત થઇ હોવાની માહિતી સામે આવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સોના-ચાંદીની આયાત વધવા પાછળ જુદા જુદા કારણો છે. પહેલુ કારણ તો સોના-ચાંદીની ખરીદીમાં વધારો થવાના પગલે પણ આયાતમાં પણ વધારો થયો છે.

સોના-ચાંદીના વેપારીઓ અને સોનુ-ચાંદી આયાત કરતા એકમોએ આપેલી માહિતી અનુસાર જુલાઇ મહિનામાં સોનાની આવક 3.36 ટન હતી. જે વધીને ઓગસ્ટ માસમાં 4.70 ટન થઈ છે.જો એપ્રિલથી ઓગસ્ટ મહીનાની વાત કરવામાં આવે તો કુલ 23.77 ટન સોનાની આયાત થઇ છે.તો આ પાંચ મહિના દરમિયાન ઓગસ્ટ મહિનામાં થયેલી ચાંદીની આવક સૌથી વધુ છે. વેપારીઓનું કહેવુ છે કે ચાંદીનો ઉપયોગ સોલાર, ઈલેક્ટ્રોનિકસ તથા મેડિકલ ક્ષેત્રે વધી રહ્યો છે. જેના પગલે પણ શહેરમાં ચાંદીની આયાતમાં વધારો થતો જઇ રહ્યો છે.

સોના-ચાંદીના વેપારીઓના જણાવ્યા અનુસાર રિટેઇલના વેપારી હોલસેલ વેપારી પાસેથી નવી-નવી ડિઝાઈનના દાગીના ખરીદીને તેનો સંગ્રહ કરે છે.બીજી તરફ નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે. જે પછી લગ્ન સીઝન પણ શરુ થવા જઇ રહી છે. જેના પગલે પણ સોના-ચાંદીની માગમાં વધારો થતા આયાત વધી હોવાનું માનવામાં આવી રહી છે. શો-રૂમ માલિકો હોલસેલ વેપારીઓ પાસે પસંદગી મુજબ ઓર્ડર આપતાં હોય છે. વેપારી વર્ગનું કહેવું છે કે ચાંદીના લાઈટવેઈટ દાગીના ચલણમાં છે. જો કે મોટાભાગના સોના-ચાંદીના વેપારીએ ચાંદીની લગડીનો સ્ટોક ઓછો કરી દીધો છે અને અત્યારની માગને જોતાં ભાવ જળવાઈ રહેવાની કે વધવાની શક્યતા રહેલી છે.