વેપાર@દેશ: ડુંગળીના ભાવ 57 ટકા વધારા સાથે 47 રૂપિયા પ્રતિકિલોના સ્તરે પહોંચ્યા

વાવેતરમાં વિલંબને કારણે પાક ઓછો ઊતર્યો
 
વેપાર@દેશ: ડુંગળીના ભાવ 57 ટકા વધારા સાથે 47 રૂપિયા પ્રતિકિલોના સ્તરે પહોંચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડુંગળીની કિંમત ગ્રાહકોને ફરી રડાવા લાગી છે. સમગ્ર દેશમાં ડુંગળીની સરેરાશ વેચાણ કિંમત 57 ટકા વધારા સાથે 47 રૂપિયા કિલો થઇ ગઇ છે.

જે બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે છૂટક બજારોમાં 25 રૂપિયે કિલોગ્રામના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકને લગતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ અનુસાર ડુંગળીની અખિલ ભારતીય છૂટક કિંમત શુક્રવારે વધીને 47 રૂપિયા પ્રતિકિલોગ્રામની આસપાસ પહોંચી ગઇ હતી જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 30 રૂપિયા હતી.

ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું હતું કે અમે ઓગસ્ટનાથી જ બફર સ્ટોકમાંથી ડુંગળી આપી રહ્યા છીએ અને કિંમતોમાં રોકવા છૂટક વેચાણમાં વધારો કરી રહ્યા છીએ. છૂટક બજારોમાં બફર સ્ટોકની ડુંગળીને બે સરકારી એકમો ભારતીય રાષ્ટ્રીય ઉપભોક્તા સહકારી સંઘ (એનસીસીએફ) અને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ મહાસંઘ (એનએએફઇડી)ની દુકાનો તેમજ વાહનો મારફત 25 રૂપિયા પ્રતિકિલોના ભાવે ડુંગળીને રાહત ભાવે વેચાઇ રહી છે.

હવામાન સંબંધિત કારણોસર ખરીફ સીઝનમાં ડુંગળીના વાવેતરમાં વિલંબ થયો હતો અને તેના કારણે પાક ઓછો ઊતર્યો હતો અને આવકમાં પણ મોડું થયું હતું. તાજી ખરીફ ડુંગળીની આવક હજુ સુધીમાં શરૂ થવી જોઇતી હતી પરંતું તેમ થઇ શક્યું નથી.