વેપાર@દેશ: સોનું 2024માં 820 ગણું વધીને 80,000ને પાર પહોંચી ગયું

ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું કામ કહેવામાં આવ છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે. કારણ કે, છેલ્લાં 74 વર્ષમાં સોનાએ લોકોને 820 ગણું વળતર આપ્યું છે.
 
વેપાર@ગુજરાત: સોના-ચાંદીનાં ભાવમાં ગાબડું, સોનું 60,000ની નીચે પહોંચ્યું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોનાના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ.. વિશ્વ આખામાં દરેક લોકોના મોઢે આ શબ્દ તો જરૂર સાંભળવા મળ્યો જ હશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ શું કામ કહેવામાં આવ છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે. કારણ કે, છેલ્લાં 74 વર્ષમાં સોનાએ લોકોને 820 ગણું વળતર આપ્યું છે. એટલે કે વર્ષ 1951માં 98 રૂપિયા કિંમતમા 10 ગ્રામ સોનું મળતું હતું. જે આજે 2024માં 820 ગણું વધીને 80,000ને પાર પહોંચી ગયું છે.

સોનાના ભાવમાં થતા સતત વધારા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અને વિશ્વની બેન્કો દ્વારા ગોલ્ડની સતત ખરીદી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગે સોનાની કિંમતમાં વધારો જ થતો હોય છે. ભાવ ઘટ્યો હોય તેવું સતત 5 વર્ષ સુધી જોવા મળ્યું હતું. એટલે કે વર્ષ 2012થી 2017 સુધી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પછી ફરી 2018થી સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એ વર્ષની જ વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સોનાની અંદર 36% જેટલો ભાવવધારો જોવા મળ્યો છે.

અમીર હોય કે ગરીબ, પુરુષ હોય કે સ્ત્રી, ગુજરાતી હોય કે પંજાબી કે પછી વિદેશની કોઈપણ ધરતીમાં રહેતો માનવી હોય. દરેકને માટે સોનું એ ઘરેણું છે. ન માત્ર ભારત પરંતુ વિશ્વ આખામાં સોનાની ખરીદી અને સંગ્રહ કરવાનો એક ટ્રેન્ડ છે. સોના-ચાંદીનાં ઘરેણાં એ સલામત માનવામાં આવે છે. માટે દરેક લોકો પોતાના અને પોતાના પરિવાર માટે સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી કરતા હોય છે. તેમાં પણ ભારત અને ગુજરાતમાં ખાસ લગ્ન પ્રસંગ સહિત સામાજિક પ્રસંગોમાં આભૂષણ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. માટે અન્ય દેશોની સરખામણીએ ભારત દેશમાં સોનાનું માર્કેટ ખૂબ જ મોટું છે. આજના સમયમાં સોનાની જેમ ડાયમંડ, પ્લેટિનમ જેવી ધાતુ અને જમીન-મકાનમાં પણ મૂડીરોકાણ લોકો કરતા હોય છે.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ચમનભાઈ સોનીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં 45 વર્ષથી સોનાના બિઝનેસ સાથે હું જોડાયેલો છું. સોનું સેફ હેવન છે અને આ સાબિત પણ થયું છે. 1951માં 98 રૂપિયા 10 ગ્રામ સોનું મળતું હતું આજે એ જ ભાવ 2024માં 80,000ને પાર જોવા મળી રહ્યું છે. હજુ પણ આગામી સમયમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળશે. જેનાં અનેક કારણો છે. ગ્લોબલ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ગોલ્ડ પોતાનું સ્થાન લેતું હોય છે. ઓર્ગેનાઈઝ સેક્ટર તરીકે અત્યારે ઇન્ડિયન જ્વેલરી માર્કેટ આગળ જઈ રહી છે. ઈમ્પોર્ટમાં સંપૂર્ણ ડેટા અવેલેબલ છે. જેમાં ઓવરઓલ આપણું ઈમ્પોર્ટ વધી રહ્યું છે અને ઈન્વેસ્ટમેન્ટ પણ વધતું જઈ રહ્યું છે. આજે ગોલ્ડની ડિમાન્ડ સામે આપણું કલ્ચર છે. સ્ત્રીધન તરીકે ભારતમાં આપણે ગોલ્ડને જોઈ રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 11 એપ્રિલ 2000થી BIS દ્વારા હોલમાર્ક સ્કીમ મૂકવામાં આવી છે અને ત્યારથી હોલમાર્ક દાગીના ગ્રાહકને મળી રહ્યા છે. 2021થી આમાં સુધારો કરી હોલમાર્ક વગર દાગીના વેચી જ ન શકાય તેવો કાયદો આવી ગયો છે. આ લાગુ થવાથી ગ્રાહકને સ્ટાન્ડર્ડરાઈઝ ગોલ્ડ મળી રહે છે. બીજી બધી જે પ્રોડક્ટ છે તેની ગેરંટી-વોરંટી એકથી 5 વર્ષની હોય છે. જેની સામે ગોલ્ડની લાઈફટાઈમ ગેરંટીથી ઇન્ડિયન માર્કેટમાં વેચાઇ રહ્યું છે. દર વર્ષે ખરીદી પણ વધતી જોવા મળી રહી છે. ભારતમાં ગ્રાહકોના મગજમાં પ્રથમ સોનું જ આવતું હોય છે. સરકાર દ્વારા પણ અલગ અલગ સ્કીમ સાથે ગોલ્ડ ઉપર વ્યાજ આપવામાં આવે છે. તહેવાર સમયે ખરીદી થતી હોય છે. જૂનું સોનું એક્સચેન્જમાં આવતું હતું એનું પ્રમાણ ઘટી ગયું છે. નવા ગોલ્ડની ખરીદી વધી ગઈ છે. તહેવારના સમયે પોતાના બજેટ મુજબ સોનું ખરીદ કરવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સંકેત એ જ આપે છે કે વિશ્વ આખામાં ગોલ્ડ તેજીમાં રહેવાનું છે. જીઓ પોલિટિકલ સિચ્યુએશન બગડતી જાય છે. જ્યારે ક્રિટિકલ સિચ્યુએશન આવે ત્યારે ગોલ્ડનું બાયિંગ વધે છે. કોરોના સમયે ગ્લોબલ ક્રિટિકલ મૂવમેન્ટ આવી ત્યારે પણ 6 મહિનામાં ગોલ્ડનો ભાવ વધ્યો હતો. કારણ ત્યારે ક્રિટિકલ સિચ્યુએશન હતી. ક્રિટિકલ સિચ્યુએશન આવે, જીઓ પોલિટિકલ કે ઈકોનોમિકલ સિચ્યુએશન હોય ત્યારે પ્રથમ લોકોના મગજમાં સોનું આવે છે. સોનાને લોકો સેફ હેવન માને છે.

વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ આખાની બેંકો પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. તેનું કારણ એક જ છે ગોલ્ડ એ એવી કરન્સી છે જે કોઈપણ સિચ્યુએશનમાં સારું રિટર્ન આપશે. આજે ગોલ્ડ હેજિંગના કારણે પણ લોકો ગોલ્ડ સિલ્વરમાં ખરીદ કરી રહ્યા છે. બીજું એ કે, આખી દુનિયામાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનું શરૂ થયું છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે. હજુ આગામી સમયમાં અમેરિકાની ચૂંટણી છે માટે હજુ પણ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થાય તેવી શક્યતા છે, માટે હજુ પણ સોનાના ભાવમાં વધારો આવે તેવી પૂરી શક્યતા રહેલી છે.

1951થી 2024ના સોનાના ભાવ પર નજર કરીએ તો 2010માં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે ઈકોનોમિકલ ડિમાન્ડ હતી એ ભાવવધારાનું કારણ હતું. આ ઉપરાંત 2008-09 રિસેશન આવ્યું ત્યારે મેજર રિસેશનમાં લોકોએ ગોલ્ડને વેચી પોતાના ખર્ચ કંટ્રોલમાં લાવ્યા હતા. આ બધાં કારણોને જોતા સોના-ચાંદીના ભાવમાં હજુ વધારો આવી શકે છે અને ડિસેમ્બર સુધીમાં કદાચ આ સોનાનો ભાવ GST સાથે 80,000થી વધીને 90,000 પહોંચે તો નવાઈ નહીં.

કોઈપણ કોમોડિટી કે સ્ટોક માર્કેટમાં એકધારું માર્કેટ વધતું હોય ત્યારે અમુક લેવલે પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. વર્લ્ડવાઈઝ કોઈ મોટા ગોલ્ડ ઇન્વેસ્ટર મોટી કોન્ટીટી ઓફલોડ કરે તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે. જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં કોઈ સારા સમાચાર આવે શાંતિનો માહોલ સર્જાય તો સોનાના ભાવમાં ઘટાડો જોઈ શકાય તેમ છે. આ સિવાય સોનાના ભાવમાં ઘટાડો થવો એ શક્ય નથી.

મધ્ય પૂર્વના દેશોમાં ભૌગોલિક રાજકીય તણાવ અને અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધુ ઘટવાની સંભાવનાને પરિણામે ચાલુ વર્ષે સોનાના વૈશ્વિક ભાવમાં સૌથી ઊંચો વધારો જોવા મળી રહ્યો છે અને સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા ઉપરાંત ગોલ્ડ ઈટીએફસમાં જંગી ઈન્ફલોસ અને વિશ્વની કેન્દ્રીય બેન્કો દ્વારા ગોલ્ડની સતત ખરીદીને કારણે પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે.

આ સાથે ચીન દ્વારા પણ ગોલ્ડ રિઝર્વમાં 29 ટનનો ઉમેરો કર્યો છે જે 2023ની સરખામણીએ 16 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન ડોલરમાં નબળાઈ પણ સોનાના ભાવમાં મજબૂતાઈનું કારણ રહ્યું છે. ડોલરની નબળાઈના કિસ્સામાં વૈશ્વિક ફંડ હાઉસો સોના જેવી સેફ હેવન એસેટસમાં રોકાણ તરફ વળતા હોય છે. ભારતમાં સોનાની તહેવાર નિમિત્તેની માગ ઊંચી જોવા મળી રહી છે, જેને કારણે પણ ભાવને ટેકો મળતો હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું. સોનાનો વૈશ્વિક ભાવ હાલમાં પ્રતિ ઔંસ 2749 ડોલર મુકાઈ રહી છે.