દુર્ઘટના@તમિલનાડુ: વેલ્લોર નિર્માણાધીન ચર્ચની છત પડતાં 3 મજૂરોના મોત, 11 મજૂરો ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ગુરુવારે નિર્માણાધીન ચર્ચની છત પડતાં 3 મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટના કટપાડી નજીક મંડી કૃષ્ણાપુરમમાં બની હતી. મજૂરો ચર્ચની છત માટે કોંક્રિટ નાખી રહ્યા હતા, ત્યારે સ્લેબ તૂટી પડ્યો હતો.
આ દુર્ઘટનામાં 11 મજૂરો ઘાયલ થયા છે. જેમને વેલ્લોર ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ હોસ્પિટલ અને પડોશી આંધ્ર પ્રદેશના ચિત્તૂરની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આ ઇમારત ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા માટે બનાવવામાં આવી રહી હતી. ત્યારે 20 ફૂટ ઊંચો સ્ટીલનો મંચ અને સપોર્ટ ફ્રેમવર્ક અચાનક તૂટી પડ્યો. જેના કારણે મજૂરો ભારે કોંક્રિટ અને કાટમાળ નીચે દબાઈ ગયા.
દુર્ઘટના બાદ અરક્કોનમથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી, અને જિલ્લા પ્રશાસન, પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા.

