દુર્ઘટના@રાજસ્થાન: ખેરાલુથી વિદ્યાર્થીઓને લઈ પ્રવાસે ગયેલી બસને અકસ્માત, 2ના મોત, 21 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વિદ્યાર્થીઓથી ભરેલી આ બસ ટ્રક પાછળ ઘુસી ગઇ
 
દુર્ઘટના@રાજસ્થાન: પ્રવાસે ગયેલી શાળાના વિદ્યાર્થીઓની બસ અકસ્માતમાં  2 લોકોના મોત 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણાથી પ્રવાસ માટે ગયેલી એક શાળાના વિદ્યાર્થીઓની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. વિદ્યાર્થીઓથી ભરેલી આ બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ અકસ્માતમાં 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

2 લોકોના મોત 

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી સી.એન. વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા.શાળાના વિદ્યાર્થીઓને બે ખાનગી બસોમાં પ્રવાસ માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

 પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓની બસને વહેલી સવારે સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. અકસ્માત થતા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આસપાસના લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ સુમેરપુર પોલીસ સ્થળ પર આવી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી.

વધુમાં માહિતી છે કે આ અકસ્માતમાં શિક્ષકો ઇજાગ્રસ્ત થયા છે. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને નજીકની સિરોહીની શિવગંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.