રિપોર્ટ@દેશ: છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા 7 લોકોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કપડાની દુકાનમાં આગ લાગતા ઉપરના માળે રહેતા એક જ પરિવારના 7 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલા, બે પુરૂષ અને બે બાળકોનો સમાવેશ થાય છે. બુધવારે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો.
આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગી ત્યારે લોકો ઉપરના માળે સૂતા હતા. તેને નીચે આવવાની તક પણ ન મળી. જેના કારણે સાતેય લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં કુલ 16 લોકો હાજર હતા. પહેલા માળે 7 લોકો, બીજા માળે 7 લોકો અને ત્રીજા માળે 2 લોકો હતા. જેમાં પહેલા માળે હાજર તમામ લોકોનાં મોત થયા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.