દુર્ઘટના@દેશ: પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક બોટ ડૂબી જતા 91નાં મોત નીપજ્યા

 
દુર્ઘટના@દેશ: પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક બોટ ડૂબી જતા 91નાં મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ ભયાનક દુર્ઘટનાઓમાં લાખો લોકો મોતને ભેટતા હોય છે.   પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા. તેમાં ઘણાં બાળકો પણ સામેલ છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર, ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતાં વધુ હતા. જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી ઘણા લોકો ગુમ છે. આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા.

આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને દરિયા કિનારે ઘણા મૃતદેહો પડેલા દેખાય છે. 

નમપુલા પ્રાંત કોલેરાના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતોમાંનો એક છે. આ રોગ જાન્યુઆરી 2023થી દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં ફેલાયો છે. કોલેરા ફેલાવવાનું મુખ્ય કારણ દૂષિત ખોરાક અને પાણી છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો થોડા કલાકોમાં મૃત્યુ થઈ શકે છે. યુનિસેફના જણાવ્યા મુજબ, હાલમાં ફાટી નીકળેલો રોગચાળો 25 વર્ષમાં સૌથી ભયંકર છે. ઓક્ટોબર 2023થી મોઝામ્બિકમાં કોલેરાના 13,700 કેસ નોંધાયા છે. 30 લોકોના મોત થયા છે.

લગભગ 400 વર્ષો સુધી, મોઝામ્બિક ટાપુ પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાની રાજધાની હતી. આ ટાપુ તેના કોલોનિયલ આર્કિટેક્ચર માટે UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ છે.

14 જૂન, 2023ના રોજ, નાઇજીરિયાના ક્વારામાં નાઇજર નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 103 લોકોના મોત થયા હતા, જ્યારે 97 લોકો ગુમ થયા હતા. તેમજ, 100 લોકોનો બચાવ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોટમાં 300 લોકો સવાર હતા.

સીએનએનના અહેવાલ મુજબ, એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, એગબોટી ગામમાં કેટલાક લોકો લગ્નમાં ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં, લગ્નના કેટલાક મહેમાનોએ ગામ છોડવા માટે બોટ દ્વારા નદી પાર કરવાનો આશરો લીધો. તેણે કહ્યું કે બીજી તરફ કિનારા તરફ આવી રહી હતી ત્યારે તેમની બોટ પાણીમાં રહેલા ઝાડ સાથે અથડાઈ અને તૂટી ગઈ. આ પછી બોટના બે ભાગ થઈ જતા તૂટી ગઈ અને પાણીમાં ડૂબી ગઈ હતી.

7 ઓગસ્ટ, 2023ના રોજ ઇટાલીના લેમ્પેડુસા આઇલેન્ડ નજીક પ્રવાસીઓની બે બોટ ડૂબી ગઈ હતી. આમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ગુમ થયા હતા. મૃતકોમાં એક મહિલા અને તેની એક વર્ષની પુત્રી પણ હતી. ઇટાલીએ કહ્યું કે તેમને બંનેના મૃતદેહ આઇવરી કોસ્ટમાંથી મળ્યા છે.

ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન માઈગ્રેશનના અહેવાલ મુજબ બોટ વાવાઝોડામાં ફસાઈ જતાં આ દુર્ઘટના થઈ હતી. બંને બોટ ગુરુવારે ટ્યુનિશિયાના ફેક્સ બંદરેથી નીકળી હતી. તેમજ, ટ્યુનિશિયાએ કહ્યું કે તેમને ફેક્સ બીચ પરથી 10 પ્રવાસીઓના મૃતદેહ પણ મળ્યા છે. કોસ્ટગાર્ડે લેમ્પેડુસામાં પર્વતીય વિસ્તારોમાં ફસાયેલા 20 પ્રવાસીઓને પણ બચાવ્યા હતા. તેમનો બચાવ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.

17 ડિસેમ્બર, 2023ના રોજ, લિબિયા નજીક બોટમાં સવાર 60થી વધુ પ્રવાસીઓ ડૂબી ગયા. આ બોટમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. આ બોટ 86 લોકો સાથે લિબિયાના જ્વારા પોર્ટથી યુરોપ જવા રવાના થઈ હતી.

ગ્રીસના દરિયાકાંઠે દરિયામાં એક બોટ ડૂબી જવાથી લગભગ 500 લોકોના મોતની આશંકા છે. ગ્રીક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત 14 જૂને થયો હતો. અત્યાર સુધીમાં 79 મૃતદેહો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, બોટ લિબિયાથી ઈટાલી જઈ રહી હતી. યુએન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ માહિતી આપી છે કે બોટમાં 700 થી 750 લોકો સવાર હતા. જેમાંથી માત્ર 104 લોકોને જ બચાવી શકાયા હતા.

બીબીસીના અહેવાલ મુજબ, આ બોટ દરિયાના જોરદાર મોજાં સામે પલટી ગઈ હતી. આ રીતે 2023માં 2200થી વધુ લોકો ગેરકાયદેસર રીતે યુરોપ જવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા છે.