દુર્ઘટના@બિહાર: દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

4 લોકોના મોત થયા છે
 
દુર્ઘટના@બિહાર: દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં દુર્ઘટનાના  બનાવો ખુબજ વધી ગયા છે. રોજ  કોઈને કોઈ જગ્યાએથી  દુર્ઘટનાનો બનાવ  સામે આવતોજ  હોય  છે. હાલમાંજ  બિહારથી હૃદય  કંપાવી ઉઠે એવી દુર્ઘટના  સામે આવી  છે.  દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ  બિહારના  બક્સર જિલ્લામાં અકસ્માતનો  ભોગ બની છે. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ છે.

હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. બક્સર જિલ્લા પ્રશાસન અને પોલીસ ટીમ સાથે જીઆરપી, આરપીએફ અને રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટના DDU-પટણા રેલ્વે સેક્શનના રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પાસે થઈ હતી.

સાથે જ અકસ્માતગ્રસ્ત ટ્રેનના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. 01.35 વાગ્યે એક રેક સ્થળ પર પહોંચી ગયું છે, જેના દ્વારા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઘટનાની માહિતી મળતાં ડીઆરએમ દાનાપુરથી ઘટના સ્થળે જવા રવાના થયા હતા. જ્યારે બક્સરના ડીએમ અને એસપી ઘટનાસ્થળે હાજર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન બક્સરથી અરાહ માટે રવાના થઈ હતી, તે દરમિયાન આ ઘટના બની. આ દુર્ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના બક્સરના રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેન આ ટ્રેક પર પહોંચતા જ પાટા પરથી ઉતરી ગઈ હતી.

રેલ્વે મંત્રીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે સ્થળાંતર અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તમામ કોચની તપાસ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે મુસાફરોને ટૂંક સમયમાં આગળની મુસાફરી માટે વિશેષ ટ્રેનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

બક્સર એસપીએ જણાવ્યું કે રેલવે નંબર 2506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. આ અકસ્માત નજીકના પોલીસ સ્ટેશનોની પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કાર્યમાં લાગેલી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણા મુસાફરો ટ્રેનની બોગીમાં ફસાયા હતા. રાત્ર હોવાના કારણે લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બક્સરથી 10થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દળોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.

જ્યાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તેની નજીકમાં આવેલા રઘુનાથપુર સ્ટેશન પર કોઈ સ્ટોપેજ નથી. બક્સરથી નિકળ્યા પછી, તે સીધુ આરા અને પછી સીધું પટનામાં સ્ટોપ લે છે. આ ઘટનાના કારણો હજુ જાણવા મળ્યા નથી. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા છે.

આ દરમિયાન ગુવાહાટી રાજધાની એક્સપ્રેસ, વિભૂતિ એક્સપ્રેસ, સીમાંચલ એક્સપ્રેસ અને પંજાબ મેલ સહિત અડધો ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવી રહ્યા છે. તેમને દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનથી અલગ માર્ગે કીલ કરવામાં આવી રહ્યો છે.

ટ્રેન દુર્ઘટના બાદ બક્સર, અરાહ અને પટનાની તમામ મોટી હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ઘટના બાદ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભોજપુરના ડીએમ રાજકુમારને ફોન કરીને હોસ્પિટલની તૈયારીઓની માહિતી લીધી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ બક્સર સંસદીય મતવિસ્તાર હેઠળના રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પર અકસ્માત અંગે વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘટનાને દુ:ખદ ગણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા છે. તેમણે ફોન પર પાર્ટીના સ્થાનિક કાર્યકરોને ઘટનાસ્થળે પહોંચવા અને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો નિર્દેશ પણ આપ્યો હતો.