દુર્ઘટના@છત્તીસગઢ: લગ્નમાં જઈ રહેલા સાહુ પરિવારને નડ્યો અકસ્માત, દોઢ વર્ષના બાળક સહીત ૧૧ મોત

 એક જ પરિવારના 10 સહિત 11 લોકોને કાળ ભરખી ગયો, લગ્નમાં જઈ રહ્યા હતા ને અકસ્માત નડ્યો

 
અકસ્માત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છત્તીસગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીંના બાલોદમાં એક બોલેરો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા.

જેમાંથી 10 લોકો તો એક જ પરિવારના હતા. મૃતકોમાં દોઢ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા.

મરકટોલા લગ્નમાં જતી વખત નડ્યો અકસ્માત
કાંકેર નેશનલ હાઈવે પર જગતરા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ધમતરીના સોરમ ગામથી બોલેરોમાં સવાર થઈને લગ્નમાં મરકટોલા જઈ રહ્યો હતો. પરંતુ આ પરિવારને વચ્ચે જ અકસ્માત નડ્યો હચો. મૃતકોમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો
પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા માટે મરકટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં જતી વખતે જીવ ગુમાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.અકસ્માતમાં 11 લોકોના મોત
- કેશવ સાહુ (34)
- ડોમેશ ધ્રુવ (19)
- તોમિન સાહુ (33)
- સંધ્યા સાહુ (24)
- રામા સાહુ (20)
- શૈલેન્દ્ર સાહુ (22)
- લક્ષ્‍મી સાહુ (45)
- ધરમરાજ સાહુ (55)
- ઉષા સાહુ (52)
- યોગાંશ સાહુ (3)
- ઇશાન સાહુ દોઢ વર્ષ