દુર્ઘટના@પંજાબ: ઓવરસ્પીડ બસ નાળામાં ખાબકી અને 8 લોકોનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 8 લોકોના મોત નીપજ્યા હતા. પંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ કાબૂ બહાર ગઈ અને નાળામાં પડી ગઈ, જેમાં ડ્રાઇવર સહિત 8 લોકોનાં મોત થયાં હતાં.
જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં 2 વર્ષની બાળકી અને તેની માતા પણ સામેલ છે. એક વિકલાંગ વ્યક્તિ, જે હરિયાણાનો રહેવાસી હતી તેનું પણ મૃત્યુ થયું છે. મૃતક ડ્રાઈવરની ઓળખ માનસાના રહેવાસી બલકાર સિંહ તરીકે થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત જીવનસિંહ વાલા ગામ પાસે થયો હતો. બસ સરદુલગઢથી ભટિંડા તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.
ભટિંડાના ડીસી શૌકત અહેમદ પારેએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર બસને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો. એટલામાં સામેથી એક મોટી ટ્રોલી આવી. એનાથી બચવા માટે બસે વળાંક લીધો, જેના કારણે આ અકસ્માત થયો.