દુર્ઘટના@રાજસ્થાન: 3 વર્ષની બાળકી રમતા- રમતા બોરવેલમાં પડી, જાણો સમગ્ર બનાવ
18 કલાકથી બાળકી 150 ફૂટની ઉંડાઈએ ફસાઈ છે, NDRFનું ઓપરેશન ચાલુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોરવેલમાં બાળકો પડવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ફરી એકવાર આવી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટપુતલીના કિરાતપુરા વિસ્તારમાં ચેતના નામની 3 વર્ષની બાળકી સોમવારે રમતા- રમતા 700 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી 18 કલાકથી 150 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છે. કિરાતપુરા વિસ્તારના બડિયાલી કી ધાણીમાં સોમવારે બપોરે લગભગ 1.50 કલાકે આ દુર્ઘટના સર્જાઈ હતી. સોમવારે મોડી રાત્રી સુધી બાળકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ રહ્યા નહોતા.
હવે બાળકીને તેના કપડામાં હૂક ફસાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે સવારે 8 વાગ્યે બીજા બચાવ પ્રયાસમાં ચેતના રીંગમાં ફસાઈ ગઈ હતી. હવે તેને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે બાળકીને ઈજા થવાની પણ શક્યતા છે. તેથી વહીવટીતંત્રે પરિવાર પાસે મંજુરી માંગી હતી.
કોટપુતલી સબ ડિવિઝનલ ઓફિસરે કહ્યું કે આશા છે કે બાળકીને જલ્દી બહાર કાઢવામાં આવશે. બોરવેલમાં પાઇપ દ્વારા ચેતનાને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કેમેરામાં તેની હિલચાલ દેખાઈ રહી છે. તેના રડવાનો અવાજ પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે. બોરવેલમાં જગ્યા ન હોવાને કારણે બાળકીને ખાવા-પીવા માટે કંઈ આપી શકાતું ન હતું.