દુર્ઘટના@આગ્રા: કન્ટેનર અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર બાદ ભીષણ આગ, 2 લોકો જીવતા ભડથું

અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર અકસ્માતની ભયાનક ઘટના સામે આવી છે. આગ્રા-અલીગઢ હાઈવે પર શનિવારે સવારે કન્ટેનર અને ડમ્પર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. તેમાં ડમ્પર ચાલક અને ક્લીનર જીવતા જ બળી જવાથી મોતને ભેટ્યા. બંનેના મૃતદેહો સીટ સાથે ચોંટેલા મળી આવ્યા છે. માત્ર હાડકાં જ બચ્યાં હતા.

બીજી તરફ, કન્ટેનર ચાલક અને નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નજરેજોનારના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે લગભગ 5:45 વાગ્યે થયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે વિસ્ફોટ જેવો ધડાકો સંભળાયો અને ગાઢ ધુમાડો ઊઠવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ઊંચી-ઊંચી જ્વાળાઓ ભભુકી ઉઠી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

આ દરમિયાન હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો. પોલીસે ક્રેનની મદદથી વાહનો હટાવીને હાઈવેની બાજુએ કરાવ્યા. અત્યાર સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 36 કિલોમીટર દૂર ખંદૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક થયો હતો.