દુર્ઘટના@દેશ: આસામમાં ગમખ્વાર અકસ્માત :23 વિદ્યાર્થીઓના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આસામના ગોલાઘાટ જિલ્લાના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક આજે સવારે થયેલા હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં 23 લોકોના મોત થયા છે. રંગાજાન વિસ્તારમાં હાથીકુલી ચા બગીચા પાસે NH-715 પર કન્ટેનર ટ્રક અને ટ્રાવેલર મિની બસ વચ્ચે જોરદાર ટક્કર થતા બસના પરખચ્ચા ઉડી ગયા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે બચાવ દળને વાહનની બોડી ગેસ કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. ઘણા મૃતદેહો બસમાં ફસાઈ ગયા હતા. પોલીસ, NDRF અને સ્થાનિક લોકોએ કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.
બસના 12 મેમો ફાટ્યા હતા - ચોંકાવનારો ખુલાસો:પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતગ્રસ્ત ટ્રાવેલર (AS 02 AC 6690) અગાઉ પણ ઓવર સ્પીડિંગ માટે કુખ્યાત હતી. આ બસના અત્યાર સુધીમાં ઓવર સ્પીડિંગના 12 મેમો ફાટી ચૂક્યા હતા. જે પેટે રૂ. 38,500 દંડ ભરાઈ ચૂક્યો હતો, જ્યારે રૂ. 4,000નો એક મેમો હજુ બાકી હતો.
ગોલાઘાટના SSP સ્વપ્નનિલ ડેકાએ કહ્યું, "બસ ખૂબ તેજ રફ્તારમાં હતી. કાઝીરંગા નેશનલ પાર્ક પાસે વાહનોની સ્પીડ લિમિટનો નિયમ છે, જેનું ઉલ્લંઘન થયું. આશંકા છે કે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો."પ્રાથમિક માહિતી મુજબ બસમાં 35થી વધુ લોકો હતા, જેમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા.
બસ બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહી હતી.ઘાયલોને કોહરા મોડેલ હોસ્પિટલ અને જોરહાટ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડાયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મૃતકોના પરિવારને 5 લાખની સહાય જાહેર કરી છે.

