અપડેટ@દેશ: રશિયન આર્મીમાં કામ કરતા 10 ભારતીયો પરત ફરશે, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો પરત ફરશે. રશિયન આર્મીમાં કામ કરતા 10 ભારતીય નાગરિકો ટૂંક સમયમાં ભારત પરત ફરશે. આ માહિતી કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ દ્વારા સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી. તેમણે માહિતી આપી કે રશિયન સેનામાં ફરજ બજાવતા 10 ભારતીયોને રશિયાની સેનાએ છોડી મુક્યા છે. મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રશિયાની મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ ભારતીય નાગરિકોની વહેલી તકે મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યુદ્ધ ક્ષેત્રથી દૂર રહેવાની અપીલ કરી છે.
11 જુલાઈના રોજ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ભારતમાં રશિયન રાજદ્વારી રોમન બબુશ્કિને કહ્યું હતું કે રશિયા આ મામલે ભારત સરકારની સાથે છે. અમને ભારતીય સૈનિકોની જરૂર નથી.
રશિયન સેનામાં સામેલ ભારતીયોની સંખ્યા 50 થી 100 વચ્ચે હોવાનું કહેવાય છે. બબુશ્કિને જણાવ્યું કે આ લોકોને એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ એજન્ટો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેઓ ગેરકાયદેસર રીતે લોકોને લાવે છે અને તેમને સેનામાં ભરતી કરાવે છે.
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા, જેઓ વડાપ્રધાનની સાથે રશિયાની મુલાકાતે ગયા હતા, તેમણે 9 જુલાઈએ મોસ્કોમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે બંને દેશોના નેતાઓ વચ્ચે આ મુદ્દા પર ચર્ચા થઈ છે. રશિયાએ ટૂંક સમયમાં ભારતીયોને સૈન્યમાંથી છૂટા કરીને પરત મોકલવાનું વચન આપ્યું છે. બંને પક્ષો આ માટે કામ કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મોસ્કોમાં 22મી સમિટ માટે મળ્યા હતા. આ દરમિયાન બંનેએ ભારતીયોને પરત મોકલવા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.
રશિયન સેનામાં ભરતી થયેલા ઘણા ભારતીય નાગરિકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે. ભારતની તપાસ એજન્સી સીબીઆઈએ એપ્રિલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરપિંડી કરીને મોકલવા બદલ 4 લોકોની ધરપકડ કરી હતી. આમાંથી ત્રણ લોકો ભારતના હતા, જ્યારે એક રશિયાના સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતો ટ્રાન્સલેટર હતો.
આ તમામ લોકો એવા નેટવર્કમાં સામેલ હતા જેમાં ભારતીયોને સોશિયલ મીડિયા દ્વારા નોકરી અને સારા પગારની લાલચ આપીને ફસાવવામાં આવતા હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હી ખાતેની વિઝા કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 180 ભારતીયોને રશિયા મોકલ્યા છે.