અપડેટ@દેશ: બાંગ્લાદેશમાં અનામત માટે વિરોધ પ્રદર્શનમાં 105 લોકોનાં મોત અને 2500ને ઇજા
ભારતીય વિદ્યાર્થી દેશ છોડી ઘરે પરત આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાંગ્લાદેશમાં હાલ અનામત માટે હિંસા પર્વતી છે. જેમાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત નીપજ્યા છે. તો પણ હજુ આ હિંસા શાંત થઇ નથી. આખો દેશ ઘરમાં બંધ અને રસ્તાઓ પર સેના જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત માટેના વિરોધપ્રદર્શનમાં હિંસા ફેલાયાંદેશભરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવારે (19 જુલાઈ) રાત્રે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તહેનાત કરાઈ છે.
શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઘણા લોકો માર્યા ગયા છે. સરકારે રાજધાની ઢાકામાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
એએફપીના અહેવાલો અનુસાર, શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો. સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કપાવ્યા પછી તેમણે સ્થળને આગ લગાવી દીધી. આ પહેલાં ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ BTV ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધાં હતાં. એ જ દિવસે વડાંપ્રધાન શેખ હસીનાએ BTVને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
હોસ્પિટલોમાંથી મળેલી માહિતી અનુસાર, આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 105 લોકોનાં મોત થયા છે. 2,500થી વધુ ઘાયલ થયા છે. ઈન્ડિપેન્ડન્ટ ટેલિવિઝને માત્ર શુક્રવારે 17 લોકોનાં મોતની જાણ કરી હતી. સોમોય ટીવીએ 30 લોકોનાં મોતનો દાવો કર્યો છે.
એસોસિયેટેડ પ્રેસના પત્રકારે ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 મૃતદેહ જોયા. જોકે એ સ્પષ્ટ નથી થયું કે શુક્રવારના દિવસે જ તમામ લોકોનાં મોત થયાં છે કે નહીં. આ પહેલાં ગુરુવારે (18 જુલાઇ) 22 લોકોનાં મોત થયાં હતાં.
બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે અત્યારસુધીમાં 405 ભારતીય વિદ્યાર્થી તેમના ઘરે પરત ફર્યા છે. મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓને બાંગ્લાદેશમાંથી ડોકી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. એમાંથી લગભગ 80 મેઘાલયના છે અને બાકીનાં અન્ય રાજ્યોના છે. નેપાળ અને ભુતાનના કેટલાક વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે.
મેઘાલયના સીએમએ કહ્યું હતું કે બાંગ્લાદેશની ઈસ્ટર્ન મેડિકલ કોલેજમાં લગભગ 36 વિદ્યાર્થી ફસાયેલા છે. અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. કોલેજ અને એની આસપાસની સ્થિતિ સારી છે, જોકે વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાંની પરિસ્થિતિથી ચિંતિત છે.
જ્યાં સુધી ભારત સરકાર આ માર્ગ સ્પષ્ટ અને સલામત હોવાની સંપૂર્ણ ખાતરી ન આપે ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. આ પછી જ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે.
બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે 15,000 હોવાનો અંદાજ છે, જેમાં લગભગ 8,500 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.