અપડેટ@દેશ: ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી, 13 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક બોટ દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર બોટ દુર્ઘટના સામે આવી છે. તેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. મહારાષ્ટ્રના મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દરિયામાં ડૂબી ગઈ. 80 લોકોની ક્ષમતાવાળી બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 13 લોકોના મોત થયા છે. 101 લોકોને બચાવી લેવાયા છે.
આ દુર્ઘટના બુધવારે બપોરે 3.55 કલાકે થઈ હતી. બોટ મુંબઈથી એલિફન્ટા ગુફાઓ જઈ રહી હતી ત્યારે અરબી સમુદ્રમાં નૌકાદળની પેટ્રોલિંગ સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાઈ ગયું હતું અને તે ડૂબી ગઈ હતી.
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે 8:25 વાગ્યે વિધાનસભાને માહિતી આપી હતી કે મૃત્યુ પામેલા 13 લોકોમાંથી 10 નાગરિકો હતા જ્યારે 4 નેવીના કર્મચારીઓ હતા. બચાવી લેવામાં આવેલા લોકોને છ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બે લોકોની હાલત ગંભીર છે. રાજ્ય સરકાર તમામ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય રકમ આપશે. પોલીસ અને નેવી સંયુક્ત રીતે અકસ્માતની તપાસ કરશે.