બ્રેકિંગ@દેશ: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા પૂજારી સહિત 14 લોકો દાઝ્યા

આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ભયાનક દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 9ની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.

ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.

ગર્ભગૃહમાં ચાંદીના અસ્તરને રંગથી બચાવવા માટે ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે પણ આગ લાગી હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ, કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.

ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કેટલાક ઘાયલોને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકને ઈન્દોર રેફર કરવામાં આવી રહ્યા છે.

ઘાયલોને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે 4 વાગ્યે ભસ્મ આરતીમાં સૌપ્રથમ મહાકાલને રંગો અને ગુલાલ ચડાવવામાં આવ્યા હતા. 26 માર્ચથી રોજની મહાકાલ આરતીનો સમય પણ બદલાશે.


ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે.

દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.


ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવ્યો છે, એટલે કે એક દિવસ આખી સૃષ્ટિનો અંત થશે અને તે રાખમાં ફેરવાઈ જશે, આ રાખ એટલે કે ભસ્મ શિવજી ધારણ કરે છે. તેનો સંદેશ એ છે કે,જ્યારે સંસારનો નાશ થશે ત્યારે દરેક પ્રાણીઓની આત્મા અને આખી સૃષ્ટિ શિવજીમાં જ વિલીન થઇ જશે. શાસ્ત્રોની માન્યતા છે કે, સમય-સમય પર પ્રલય થાય છે અને બધું નષ્ટ થઇ જાય છે. ત્યારબાદ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે અને આ ક્રમ ચાલતો જ રહે છે.


શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયના છાણા, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.