અપડેટ@દેશ: ચીનમાં 14 માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગી, 16 લોકો મોત

જેમાં 16 લોકોના મોત થયા 
 
અપડેટ@દેશ: ચીનમાં 14 માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગી, 16 લોકો મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે.  ચીનમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર પણ ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. તેમજ જીવ બચાવવા એક મહિલા બિલ્ડીંગ પરથી કૂદકો મારવાની કોશિશ કરતી વીડિયોમાં નજરે પડે છે.


સરકારી મીડિયા સીસીટીવી અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાંધકામનું કામ ચાલું હતું, જેના કારણે સ્પાર્ક ફાટી નીકળ્યો અને પછી આગ ફાટી નીકળી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.


ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ દુર્ઘટનામાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.


આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે, જે દૂરથી દેખાઈ રહ્યો છે. આગ ઓલવવા માટે અગ્નિશામક દળના જવાનોએ માત્ર પાઈપનો સહારો જ નહીં, પરંતુ ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી.