અપડેટ@દેશ: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે 315 લોકોનાં મોત નીપજ્યા
1600થી વધુ લોકો ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાંજ એક ભયાનક બનાવ સામે આવ્યો છે. અફઘાનિસ્તાનમાં બે અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 315થી વધુ લોકોનાં મોત થયા છે. તાલિબાનના અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. અમેરિકન મીડિયા CNN અનુસાર, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ 12 મેના રોજ અહેવાલ આપ્યો હતો કે બદખ્શાન, ઘોર, બગલાન અને હેરાતમાં સૌથી વધુ નુકસાન થયું છે.
ભારે વરસાદને કારણે 1600 લોકો ઘાયલ થયા છે અને 2000થી વધુ ઘર ધરાશાયી થઈ ગયા છે. WFPએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અચાનક પૂરે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી હતી. સૌથી વધુ મોત બગલાનમાં થયા છે.
બગલાનમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે બગલાન તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે ત્યાં રાહત આપવામાં વિલંબ થઈ રહ્યો છે. લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે સેના મોકલવામાં આવી છે.
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે 11 મેના રોજ જણાવ્યું હતું કે બગલાનમાં લોકોને બહાર કાઢવા માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિલંબ કર્યા વિના મદદ કરવા કહ્યું છે. તાલિબાનના મતે જો સંગઠનો મદદ નહીં કરે તો હજારો લોકોનાં મોત થશે. ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી (આઈઆરસી) અનુસાર અફઘાનિસ્તાનના મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. અલગ-અલગ ઈમરજન્સી ટીમો રાહત કાર્યમાં લાગેલી છે.
આઈઆરસીના નિર્દેશક સલમા બેન ઈસાએ કહ્યું કે આ પૂરથી માનવીય સંકટ સર્જાયું છે. અફઘાનિસ્તાનના લોકો પહેલાથી જ આ વર્ષની શરૂઆતમાં આવેલા ભૂકંપનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે પૂરે તેમને વધુ ગરીબીમાં ધકેલી દીધા છે. અફઘાનિસ્તાનના ઘણા રાજ્યોમાં બે અઠવાડિયાથી વીજળી નથી. લોકો પાસે એક સમયનું ભોજન ખરીદવા માટે સાધનો નથી. ગયા મહિને જ અફઘાનિસ્તાનના હેલમંડ અને કાજાકી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે મકાનો ધરાશાયી થતાં નવ લોકોનાં મોત થયાં હતાં