અપડેટ@દેશ: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે 370 લોકોનાં મોત નીપજ્યા
1600 લોકો ઘાયલ,
 
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અફઘાનિસ્તાનમાં ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 370થી વધુ લોકોનાં મોત થયા છે અને 1600 લોકો ઘાયલ થયા છે. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન ઘોર પ્રાંતમાં થયું છે. અહીં શનિવારે (18 મે) પૂરના કારણે 60 લોકોનાં મોત થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાલિબાન સરકારે લોકોની મદદ માટે એરફોર્સ મોકલી છે.
તાલિબાનના પ્રવક્તા મૌલવી અબ્દુલે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ટીમને ઘાયલોને મદદ પહોંચાડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બદખ્શાન, ઘોર, બગલાન અને હેરાત સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ ઘરો ધોવાઈ ગયા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)એ 12 મેના રોજ અહેવાલ આપ્યો હતો કે અચાનક પૂરે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી છે. એકલા બગલાનમાં 300થી વધુ લોકોનાં મોત થયા છે. 100થી વધુ લોકો હજુ પણ ત્યાં ગુમ છે.
 અમેરિકન ન્યૂઝ ચેનલ અનુસાર, અફઘાનિસ્તાનમાં પૂરને કારણે હજારો ઘર, હજારો હેક્ટર ખેતીની જમીન અને સેંકડો પશુઓ અલગ-અલગ જિલ્લામાં ધોવાઈ ગયા છે. ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી (આઈઆરસી) અનુસાર અફઘાનિસ્તાનના મોટાભાગના રાજ્યોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ છે. ઘણી ટીમો રાહત કાર્યમાં લાગેલી છે.
ફિરોઝ-કોહ શહેરમાં 4 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે. ત્યાં લગભગ 2 હજાર દુકાનો અને 2 હજાર મકાનો ધોવાઈ ગયા છે. આ સિવાય 300 થી વધુ પશુઓનાં મોત થયા છે. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અનુસાર, તેઓ અફઘાનિસ્તાનની સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. UNDPએ રાહત સામગ્રી પહોંચાડવા માટે અનેક આંતરરાષ્ટ્રીય NGOનો સંપર્ક કર્યો છે.
UNDPએ અત્યાર સુધીમાં 300થી વધુ અસ્થાયી મકાનો બનાવ્યા છે. છેલ્લા 3 અઠવાડિયાથી ઘણા વિસ્તારોમાં વીજળી નથી. ગયા મહિને પણ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 70થી વધુ લોકોનાં મોત થયા હતા. નિષ્ણાંતોએ વરસાદ પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જને ગણાવ્યું છે. અફઘાનિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જોખમ હજુ ટળ્યું નથી. 19 અને 20 મેના રોજ પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 શહેરોને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે. પૂરના કારણે ઘોરના 800 વર્ષ જૂના જામ મિનારને નુકસાન થયું છે. આ વિશ્વનો બીજો સૌથી ઉંચો ટાવર છે.
બીબીસીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં પૂરના કારણે ખેતીની જમીન પર કાદવના કારણે તમામ પાક બરબાદ થઈ ગયા છે. અફઘાનિસ્તાનની 80% વસ્તી ખેતી પર નિર્ભર છે. તાલિબાન સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી મદદ માગી છે. સરકારનું કહેવું છે કે જો મદદ નહીં મળે તો હજારો લોકો ભૂખે મરી જશે.

