અપડેટ@દેશ: કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા 49 લોકોનાં મોત નીપજ્યાં

જેમાં 40 ભારતીયોના મોત
 
અપડેટ@દેશ: કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા 49 લોકોનાં મોત નીપજ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર આગના કેટલાક બનાવો સામે આવતા હોય છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી ઘઈ. આ ઘટનામાં 49 લોકોનાં મોત નીપજ્યાં છે જેમાં 40 ભારતીયોના મોતના સમાચાર છે. જેમાંથી 5 કેરળના રહેવાસી હતા. આ દુર્ઘટનામાં 30 ભારતીયો સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી 40 ભારતીયોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં 30 ભારતીયો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલો સાથે મુલાકાત કરી છે.  અહેવાલ મુજબ, આ દુર્ઘટના કુવૈતના સમય મુજબ આજે સવારે લગભગ 6 વાગ્યે થઈ હતી. સવારે ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાઈ ગયા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ આ ઈમારતમાં 160થી વધુ લોકો રહેતા હતા. ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસેફે જણાવ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેથી, મૃત્યુ પામેલા લોકો વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી. 

કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, "કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે."


આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું- આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. .સંબંધિત અપડેટ્સ માટે આ હેલ્પલાઈન નંબર સાથે જોડાઓ. એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે.


કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ માલિકોના લોભને કારણે બને છે. કુવૈત ટાઇમ્સના અહેવાલ મુજબ, વધુ ભાડાના લોભમાં બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે.

કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ જે ઈમારતમાં આગ લાગી હતી ત્યાં 160થી વધુ લોકો રહેતા હતા. ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેના કારણે તેઓ કયા દેશના નાગરિક છે તે જાણી શકાયું નથી.


કુવૈતના ભારતીય દુતાવાસ અનુસાર કુવૈતની વસતિના 21% (10 લાખ) લોકો ભારતીય છે જ્યારે 30% કર્મચારીઓ (આશરે 9 લાખ) ભારતીયો છે. કુવૈત, આશરે 42 લાખની વસતિ ધરાવતો દેશ છે. જે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો જાણીતો તેલ ભંડાર ધરાવે છે. રાષ્ટ્રમાં અગાઉ ભૂતકાળમાં સમાન ઘટનાઓનો બનેલી છે, જેમાં 2022માં ઓઇલ રિફાઇનરીમાં લાગેલી આગનો સમાવેશ થાય છે જેમાં ઘણી જાનહાનિ થઈ હતી.


મલયાલી મીડિયા ઓનમાનોરમાના અહેવાલ મુજબ, બિલ્ડિંગમાં રહેતા ભારતીયો કેરળ અને તમિલનાડુના હતા. આ ઈમારત NBTC ગ્રુપની છે, જે કન્સ્ટ્રક્શન સેક્ટરની કંપની છે. આ ઇમારત મલયાલી બિઝનેસમેન કેજી અબ્રાહમની માલિકીની છે.

કેજી અબ્રાહમ કેરળના તિરુવલ્લાના એક બિઝનેસમેન છે. કેજી અબ્રાહમ, જે કેજીએ તરીકે પણ ઓળખાય છે, તે કેજીએ ગ્રુપના સ્થાપક અને ચેરમેન છે. કંપની 1977થી કુવૈતમાં કી ઓઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.