અપડેટ@દેશ: 4 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાના કારણે ભારે તબાહી મચી, પશ્ચિમ બંગાળમાં 5નાં મોત

4 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાને લીધે તબાહી

 
અપડેટ@દેશ: 4 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાના કારણે ભારે તબાહી મચી, પશ્ચિમ બંગાળમાં 5નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  રવિવારે અચાનક આવેલા તોફાન અને વરસાદે દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ અને મણિપુરમાં ભારે તબાહી મચાવી હતી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં પાંચ લોકોનાં મોત થયા છે. 100 લોકો ઘાયલ થયા છે.

આસામના ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ફ્લાઇટની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. છ ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. મિઝોરમના ચંફઈ જિલ્લાના લુંગતાન ગામમાં એક ચર્ચની ઈમારત ધરાશાયી થઈ છે. આઇઝોલ જિલ્લાના સિયાલસુકમાં અન્ય એક ચર્ચની ઇમારતને નુકસાન થયું હતું. આ ઉપરાંત કેટલાક મકાનોને પણ આંશિક નુકસાન થયું છે.

બીજી તરફ, મણિપુરના થોબલ અને ખોંગજોમ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને ઘરોના ટીનના છાપરા ઉડી ગયા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વાવાઝોડા બાદ થયેલા વિનાશને લઈને જલપાઈગુડી અને સિલીગુડી પહોંચ્યા હતા. સિલીગુડીના બાગડોગરા એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે કહ્યું- આ દુર્ઘટનાને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે. વહીવટીતંત્ર સ્થળ પર છે અને જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. સરકાર પીડિતોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં તોફાન અને વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૈનાગુરીના ઘણા વિસ્તારોમાં ભારે પવનને કારણે ઘણા મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ઉખડી ગયા હતા અને ઇલેક્ટ્રિક થાંભલા પડી ગયા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજારહાટ, બરાનીશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારીનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું: "તે જાણીને દુઃખ થાય છે કે આજે બપોરે અચાનક ભારે વરસાદ અને તોફાની પવનોને કારણે જલપાઈગુડી-મયનાગુડીના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થયું છે. પીડિતોને વળતર આપવામાં આવશે.

ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. વૃક્ષો પડતાં એપ્રોચ રોડ બ્લોક થઈ ગયો હતો. છતના આઉટલેટ્સ મોટા પ્રમાણમાં પાણીથી ભરાઈ ગયા હતા અને ટર્મિનલ બિલ્ડિંગની અંદરના ભાગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ટર્મિનલ બિલ્ડિંગની બહાર પાણી અને પવનના દબાણને કારણે છતનો એક નાનો ભાગ તૂટી પડ્યો હતો.

એરપોર્ટની કામગીરી અટકાવી દેવામાં આવતા છ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગો, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ્સને અગરતલા અને કોલકાતા તરફ વાળવામાં આવી છે.

ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું ઊભું થયું હતું. અગાઉ તે ભારત તરફ આવવાની સંભાવના હતી. બાદમાં IMDએ કહ્યું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકતા ચક્રવાતી તોફાનનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું ગુજરાતથી 1600 કિલોમીટર દૂર ઓમાન અને યમન તરફ આગળ વધ્યું છે.


13 જૂને અરબી સમુદ્રમાંથી નીકળેલા ચક્રવાત બિપરજોયએ ભારતમાં ઘણી તબાહી મચાવી હતી. 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર વાવાઝોડું ત્રાટક્યું હતું. આ સમયગાળા દરમિયાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ગુજરાતમાં 9 લોકોના મોત થયા છે.


7 મેના રોજ બંગાળની ખાડીમાં મોકા વાવાઝોડું આવ્યું હતું. અગાઉ તે ભારતીય તટીય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હતું. બાદમાં તે મ્યાનમારના દરિયાકાંઠે અથડાયું હતું. આશરે 200 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદને કારણે અનેક ઘરોની છત ઉડી ગઈ હતી અને મોબાઈલ ટાવર પડી ગયા હતા. આ વાવાઝોડાની અસર બાંગ્લાદેશમાં પણ થઈ છે.