અપડેટ@દેશ: ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં અને 62 ઘાયલ, જાણો વધુ વિગતે

બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
 
અપડેટ@દેશ: ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં અને 62 ઘાયલ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચીનમાં આવેલા ભૂકંપનાં કારણે ભારે નુકસાન થયું હતું. કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા. ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચીનની ન્યૂઝ એજન્સી અનુસાર, સવારે 9.05 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂતાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

એનસીએસે અહેવાલ આપ્યો છે કે પ્રથમ ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.

તિબેટમાં આવેલા ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સરકારી મીડિયાએ જણાવ્યું કે પડોશી નેપાળની રાજધાની કાઠમંડુ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભૂકંપ બાદ ખંડેરમાં વિખરાયેલાં મકાનો, તૂટેલી દીવાલો અને કાટમાળ જોવા મળે છે.

ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર  અનુસાર, સવારે 9:05 વાગ્યે નેપાળની સરહદ નજીક ડિંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી.

અહેવાલો અનુસાર ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયા છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ચીનના CCTV સમાચાર અનુસાર ચીનની સ્ટેટ કાઉન્સિલે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ટાસ્ક ફોર્સ મોકલી છે અને લેવલ-3 ઈમરજન્સી જાહેર કરી છે. લેવલ-3 ઇમરજન્સી ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે અકસ્માત એટલો મોટો હોય છે કે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર તેની સાથે વ્યવહાર કરી શકતા નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તાત્કાલિક મદદ મોકલે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થાનિક અધિકારીઓ ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેની અસર 400 કિમી દૂર નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી.

તિબેટમાં આવેલા ભૂકંપની અસર ભારત સુધી જોવા મળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામની ધરતી પણ ધ્રૂજી હતી. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બિહારમાં લોકો તેમના ઘર અને એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.