અપડેટ@દેશ: ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષને પોલીસે પકડી પાડ્યા

બનાવટી ભારતીય આધારકાર્ડ
 
અપડેટ@દેશ: ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષને પોલીસે પકડી પાડ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

તેમની પાસેથી બનાવટી ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ, જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ પણકબજે કરવામાં આવ્યા હતાં.. આ તમામને ઘૂસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટને પણ પકડી પાડવામાં આવ્યો હતો.

સુરત પોલીસનું કહેવું હતું કે, પીસીબીની ટીમે સાત શખ્સો પકડ્યા છે, તેમાં પલસાણાની આરાધના સોસાયટીમાંથી તરિકુલ મંડલ, બોબી તરિકુલ મંડલ, માફિઝુર રહેમાન મિયા, સુમોના શેખની ધરપકડ કરાઈ છે. ઉધના વિસ્તારના દાગીના નગરમાં ચોકસી એપાર્ટમેન્ટમાંથી મોહંમદ ફઝરબ્બી અને શરીફા ખાતુનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમણે બાંગ્લાદેશની સતખીરા બોર્ડરથી ભારતમાં ઘુષણખોરી કરી હતી. ત્યારબાદ સુરત આવ્યા હતા અને આ તમામને સુરત લાવવામાં મુખ્ય એજન્ટ તરીકેની ભૂમિકા ઇબ્રાહીમ ઉર્ફે રાજ શેખ નામના શખ્સે નિભાવી હતી. રાજને એસઓજીની ટીમે ઉધનામાંથી જ પકડી પાડ્યો હતો.

મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો

ઈબ્રાહીમ ઉર્ફે રાજની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે તે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. આ રાજ પણ મૂળ બાંગ્લાદેશના પેરોલી ગામનો વતની હતો. તે પોતાના ગામની આસપાસની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ તેમજ પુરુષોને વધારે પગાર અપાવવાની લાલચ આપીને બાંગ્લા દેશમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવતો હતો.

આ રીતે બાંગ્લાદેશથી સુરત લાવતા હતા

સૌપ્રથમ આ ઈબ્રાહીમ બાંગ્લાદેશીઓને સતખીરા જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળના બનગાંવમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવતો હતો. ત્યાંથી બસમાં કોલકાતા અને કોલકાતાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે સુરત શહેર અને જિલ્લામાં દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલા શખ્સોનો સંપર્ક કરી સોંપતો હતો. આ મહિલાઓ પાસેથી થતી આવકમાંથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો.

અમદાવાદનો શાહિદખાન બોગસ પુરાવા બનાવી આપતો

આ બાંગ્લાદેશી લોકો પકડાઈ ન જાય એટલા માટે અમદાવાદના નોબલનગરમાં રહેતા શાહિદખાન મુસ્તફા ખાન પાસે ત્યાં તમામ લોકોને ખોટા ભારતીય ઓળખ અંગેના પુરાવાઓ બનાવતો હતો. તેના માટે ઈબ્રાહીમ ઉર્ફે રાજ નામનો મુખ્ય એજન્ટ બાંગ્લાદેશી લોકોને બોર્ડર ક્રોસ કરાવવાના વ્યક્તિદીઠ 90 હજાર રૂપિયા લેતો હતો. પોલીસે ખોટા ભારતીય પુરાવા બનાવી આપનાર શાહિદખાનને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસે શું કબ્જે કર્યું

તમામ પાસેથી પોલીસે 5 મોબાઇલ, 8 આધાર કાર્ડ, 3 પાનકાર્ડ, 1 બાંગ્લાદેશી પાસપોર્ટની નકલ, 2 બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડની લેમિનેટેડ કોપી, 3 બાંગ્લાદેશી જન્મ દાખલાની કલર ઝેરોક્ષ, ભારતીય જન્મ દાખલાની 1 કોપી, બાંગ્લાદેશની બેંકનું એક એટીએમ કાર્ડ, બાંગ્લાદેશનું કોવિડ 19 વેક્સિન સર્ટિફિકેટ, બાંગ્લાદેશની સ્કૂલનો એડમિટ કાર્ડ અને બાંગ્લાદેશી નિકાહનામાની 1 કોપી પણ કબજે કરી છે.