અપડેટ@દેશ: શ્રદ્ધાળુથી ભરેલી બસમાં અચાનક આગ લાગતા 9 લોકો જીવતા ભડથું, 25 દાઝ્યા

25થી વધુ દાઝ્યા

 
અપડેટ@દેશ: શ્રદ્ધાળુથી ભરેલી બસમાં અચાનક આગ લાગતા 9 લોકો જીવતા ભડથું, 25 દાઝ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે.  હરિયાણામાં, શુક્રવારની મોડી રાત્રે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર નુહના તાવડુ ખાતે શ્રદ્ધાળુથી ભરેલી બસમાં લગભગ 1.30 વાગ્યે આગ લાગી હતી. આ અકસ્માતમાં 9 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઘાયલોએ જણાવ્યું કે બસમાં 60 લોકો સવાર હતા. આ તમામ શ્રદ્ધાળુ સગા-સંબંધી હતા અને પંજાબ-ચંદીગઢના રહેવાસી છે. તેઓ મથુરા-વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. ચાલુ બસમાં જ્વાળાઓ જોતા સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લોકોએ પણ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તાવડુ ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે જ્યારે તેઓએ બસને આગ લાગતી જોઈ ત્યારે તેઓએ ડ્રાઈવરને બોલાવીને તેને રોકવા માટે કહ્યું, પરંતુ બસ ઉભી રહી ન હતી. ત્યારબાદ બાઈક દોડાવીને બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને જાણ કરી. ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી.