અપડેટ@દેશ: એક ખાનગી હૉસ્પિટલમાં સુન્નતના ઑપરેશન બાદ એક 10 વર્ષના બાળકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મોતની અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ખાનગી હૉસ્પિટલમાં સુન્નતના ઑપરેશન બાદ એક 10 વર્ષના બાળકનું મોત થઈ ગયું. અહનાફ તહમીદને મંગળવારે રાત્રે સુન્નત માટે હૉસ્પિટલમાં લવાયો હતો અને છોકરાના પરિવારજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વિના 'સંપૂર્ણ બેભાન કરવાને' કારણે છોકરાનું મોત થઈ ગયું.
દોઢ મહિના અગાઉ અયાન અહમદ નામના અન્ય છોકરાનું પણ સુન્નત દરમિયાન મોત થયું હતું અને તેના પરિવારજનોએ પણ આવી ફરિયાદ કરી હતી. છેલ્લા કેટલાક દાયકાથી બાંગ્લાદેશમાં બેભાન કર્યા વિના વાળંદ સુન્નત કરતા હતા પરંતુ તાજેતરના સમયમાં નિષ્ણાત તબીબો પાસે સર્જિકલ સુન્નત કરાવવાનું ચલણ વધી ગયું છે.
પણ સુન્નત સમયે બેભાન કરવું (ઍનેસ્થિસિયા) કેટલું મહત્ત્વપૂર્ણ છે અને શું તે ખતરનાક હોઈ શકે છે?
ઢાકા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ ઍનેસ્થિસિયાલૉજિસ્ટ ડૉ. શાહઆલમે બીબીબી બાંગ્લાને જણાવ્યું કે "બાળકની સુરક્ષિત સુન્નત કરવા ઍનેસ્થિસિયાની જરૂર હોય છે. પણ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ નક્કી કરવાની હોય છે કે આ સમયે કયા પ્રકારના ઍનેસ્થિસિયાની જરૂર છે."
ડૉ. શાહઆલમે કહ્યું કે જો યોગ્ય શારીરિક તપાસ કર્યા વિના ખોટા સમયે ખોટું ઍનેસ્થિસિયા અપાય તો દર્દીને જીવનું જોખમ ઊભું થઈ શકે છે.
ફખ્ર-એ-આલમ તેમના પુત્ર સાથે
બાળકના પિતા ફખરુલ આલમે બીબીસી બાંગ્લાને જણાવ્યું, "10 વર્ષના અહનાફ તહમીદને સુન્નત માટે મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ ઢાકાના માલીબાગ ચૌધરીપાડામાં જે. એસ. ડાયેગ્નોસ્ટિક ઍન્ડ મેડિકલ ચેક-અપ સેન્ટરમાં લઈ જવાયો હતો."
સુન્નત થયાના એક કલાક પછી પણ છોકરો ભાનમાં ન આવ્યો ત્યારે પરિવારજનો ચિંતામાં પડી ગયા.
તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું, "મેં એમને ઘણી વાર પૂછ્યું કે મારા બાળકને કોઈ સમસ્યા છે? પણ તેમને કોઈ બરાબર જવાબ ના આપ્યો અને કહેતા રહ્યા કે તે થોડી વારમાં જ ભાનમાં આવી જશે."
આશરે 10 વાગે આલમને ખબર પડી કે તેમના છોકરાની હાલત બગડી રહી છે.
પરિવારને કહેવાયું કે છોકરાને તરત જ બીજી હૉસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવાની જરૂર છે, કારણ કે તેમની પાસે આઈસીયુ નથી.
બાદમાં તેમણે તેમના દીકરાને આઈસીયુમાં ખસેડવા નજીકની હૉસ્પિટલનો સંપર્ક કર્યો.
રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ હૉસ્પિટલ લઈ જવા ઍમ્બ્યુલન્સ પણ આવી ગઈ, પણ ત્યાં સુધીમાં અહનાફ તહમીદનું મોત થઈ ગયું હતું.
ફખરુલ આલમે આરોપ લગાવ્યો છે કે તેમના દીકરાને મંજૂરી વિના જ 'ફુલ ઍનેસ્થિસિયા' (શરીરના અંગને બહેરું કરવાને બદલે દર્દીને સંપૂર્ણ પણે બેભાર કરી દેવા અપાતો ઍનેસ્થિસિયા) આપવામાં આવ્યું હતું.
તેઓ કહે છે, "કેટલાક દિવસ પહેલાં મેં સાંભળ્યું હતું કે એક છોકરાનું 'સંપૂર્ણ બેભાન કરવાને' કારણે મોત થઈ ગયું હતું. આથી હું મારા છોકરાને હૉસ્પિટલ લઈ ગયો ત્યારે મેં ડૉક્ટરને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ મારા છોકરાને 'ફુલ ઍનેસ્થિસિયા' ન આપે."
'તેમણે મારી વાત ના સાંભળી અને મારા સ્વસ્થ છોકરાને મારી નાખ્યો'
આ ઘટના પછી બાળકના પરિવારે મંગળવારે રાત્રે હાથીરઝીલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે, જેમાં હૉસ્પિટલના માલિક અને ફરજ પર હાજર તબીબોનાં નામ નોંધાવાયાં છે.
ફખરુલ આલમે કહ્યું કે "હું ઇચ્છું છું કે આ ઘટનામાં ન્યાય મળે. દોષિતોને કડકમાં કડક સજા થાય, જેથી આવી ઘટના ફરી ન બને."
અહનાફ તહમીદ ઢાકાની મોતી લેક આઇડિયલ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
અહનાફનો પરિવાર પહેલાં ડેનમાર્કમાં રહેતો હતો. તહમીદનો જન્મ 10 વર્ષ અગાઉ ત્યાં જ થયો હતો. 2017માં વેપારી ફખરુલ આલમ પત્ની અને બાળકો સાથે પોતાના વતન પાછા આવી ગયા હતા.
યુનાઇટેડ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના અધિકારી નોંધણી વિનાની આ નિર્માણાધીન ઇમારતમાં સ્વાસ્થ્ય સેવા આપે છે
એક સમય હતો જ્યારે બેભાન કર્યા વિના સર્જરી થતી હતી પણ એ સમય બદલાઈ ગયો છે.
આધુનિક ચિકિત્સા પ્રણાલી મુજબ તબીબો નાની-મોટી કોઈ પણ સર્જરી અગાઉ દર્દીને ઍનેસ્થિસિયા આપે છે.
ઍનેસ્થિસિયા શરીર અથવા તેના કોઈ પણ ભાગને સુન્ન કરી દે છે, જેનાથી ઑપરેશન દરમિયાન દર્દીને કોઈ દુખાવો ન થાય.
ઢાકા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના પૂર્વ ઍનેસ્થિસિયોલૉજિસ્ટ શાહઆલમે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે આ કોઈ તકલીફ વિના જ કરી શકાય છે.
શાહઆલમ કહે છે, "ઍનેસ્થિસિયા કેટલાય પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે શરીરના કોઈ ખાસ ભાગ પર નાની સર્જરી કરવાની હોય છે ત્યારે માત્ર એ જ ભાગને ખોટો પાડવામાં આવે છે. તેને લોકલ ઍનેસ્થિસિયા કહેવાય છે."
તેમણે કહ્યું કે કોઈ મોટી સર્જરી અગાઉ જ દર્દીના આખા શરીરને ખોટું પાડવા તેને બેભાન કરાય છે. આમાં એક નિશ્ચિત સમય માટે તે બેભાન રહે છે અને પછી માણસ ભાનમાં આવી જાય છે.
શાહઆલમ કહે છે, "કોઈ પણ ઍનેસ્થિસિયા આપતા અગાઉ દર્દીનાં બ્લડ ટેસ્ટ, હૃદયના ધબકારા સહિતની તપાસ જરૂરી છે. આ માટે દર્દીનાં વિવિધ પરીક્ષણો કરાવવાં જરૂરી છે."
તેનાથી એ ખબર પડે કે દર્દી કયા પ્રકારના ઍનેસ્થિસિયાથી સુરક્ષિત રહેશે.
આ સિવાય શાહઆલમે સલાહ આપી છે કે જે લોકોને શરદી કે તાવ હોય, ઉધરસ આવતી હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, હૃદયની બીમારી હોય તો તેમને બેભાન થવાની દવા ન આપવી જોઈએ.
તેમણે કહ્યું કે આવા કિસ્સામાં ઍનેસ્થિસિયા આપવો સુરક્ષિત નથી. તેમના અનુસાર, આવા કિસ્સામાં સાજા થયા પછી કે બીમારી કાબૂમાં આવી ગયા પછી નિષ્ણાત તબીબની સલાહ લીધા પછી સર્જરી કરી શકાય.
પુરુષના લિંગની ઉપરની પાતળી ચામડીને હટાવાને સુન્નત કહેવાય છે. તેની શરૂઆત ધાર્મિક પરંપરાઓથી પણ અગાઉની કહેવામાં આવી છે. લિંગ પરની અન્ય ચામડી તેનાથી જોડાયેલી હોય છે, જ્યારે આ ચામડી મુલાયમ હોય છે અને તેની અંદરનો ભાગ ચીકણો હોય છે.
બીબીસી સાથે વાત કરતા અમેરિકન કન્ફેડરેશન ઑફ યુરોલૉજી સાથે જોડાયેલા યુરોલૉજિસ્ટ ઍના મારિયા કહે છે, આ મુલાયમ ચામડીનું કામ લિંગના ઉપરના ભાગને ઢાંકવાનું, એટલે કે કવર કરવાનું હોય છે.
નિષ્ણાતોનું એમ પણ માનવું છે આ ચામડીનાં કેટલાંક રક્ષાત્મક કાર્યો હોઈ શકે છે, કારણ કે લિંગનો ઉપરનો ભાગ અત્યંત સંવેદનશીલ હોય છે. આ જ કારણે સુન્નત પછી શરૂઆતના દિવસોમાં તે ભાગ પર હવાનો સ્પર્શ કે કપડાનો સ્પર્શ પણ પીડાદાયક હોય છે. જોકે સમય જતા આ ભાગ કેટલીક હદે કઠોર બની જાય છે અને મોટા ભાગની સંવેદનશીલતા ગુમાવી દે છે.
સુન્નત સામાન્ય રીતે બે પ્રકારે કરાય છે. પરંપરાગત રીતે એટલે કે મુલાયમ ચામડીને ધારદાર અસ્તરા કે બ્લેડવાળા અસ્તરાથી કાપીને. બીજી રીતે સ્ટેપલ ગનની છે. મોટી ઉંમરના છોકરા કે પુરુષોમાં સુન્નત પહેલા લોકલ ઍનેસ્થિસિયાનો ઉપયોગ કરાય છે, જેથી વધુ તકલીફ ન થાય.
ધાર્મિક કારણોને એક બાજુએ રાખીએ અને માત્ર સ્વાસ્થ્યના સંદર્ભમાં વાત કરાય તો આ સવાલના બહુ જવાબ છે.
એક બાજુ અમેરિકામાં મોટા ભાગના તબીબોનો મત છે કે જન્મ પછી તરત જ બાળકની સુન્નત કરવી વધુ સારી છે. અમેરિકન ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિક્સ મુજબ, નવજાત છોકરાની સુન્નત કરવાના સ્વાસ્થ્ય લાભ તેની સાથે જોડાયેલાં જોખમોથી ઘણા વધારે છે.
અમેરિકન ઍકેડૅમી ઑફ પીડિયાટ્રિક્સ મુજબ સુન્નત મૂત્રમાર્ગનાં સંક્રમણ, લિંગ કૅન્સર અને એઇડ્સ સહિતના અનેક યૌનરોગોને ફેલાતા રોકવામાં મદદ કરે છે.
તેમના મતે નવજાત શિશુમાં સુન્નત કરવાથી થતી જટિલતા મોટી ઉંમરે થતી જટિલતાથી ઓછી હોય છે.
સુન્નતની ઉંમર નક્કી કરવા બાબતે સંગઠનનો મત એ છે કે આ નિર્ણય માતાપિતાએ તબીબની સલાહ અને માર્ગદર્શન પછી લેવો જોઈએ.
રૉયલ મેડિકલ ઍસોસિયેશનનો મત આનાથી વિપરીત છે. તેમનું કહેવું છે કે નવજાત છોકરાની સુન્નત ન કરવી જોઈએ, કારણ કે એ વાતના કોઈ મજબૂત પુરાવા નથી કે નવજાતની સુન્નત કરાવવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે કે જરૂરી છે.
તેમના મતે, નવજાત બાળકની સુન્નત ત્યારે જ કરાવવી જોઈએ, જ્યારે તેના માટે કોઈ ચોક્કસ મેડિકલ કારણ હોય.
સંગઠનનું કહેવું છે કે વ્યાપક રીતે સ્વીકૃત મતથી વિપરીત સુન્નતથી મેડિકલ અને મનોવૈજ્ઞાનિક જટિલતાનો ખતરો હોય છે. તેમાં લોહી વહેવું, ચેપ, પેશાબની નળીનું સંકોચન અને પૅનિક ઍટેક સામેલ છે.