વિરોધ@દેશ: ઈશનિંદા સંબંધિત નિર્ણય સામે વિરોધ, લોકોના ટોળાએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો
ચીફ જસ્ટિસના માથે 1 કરોડનું ઈનામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાંગ્લાદેશની જેમ પાકિસ્તનમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો. બાંગ્લાદેશની જેમ હવે પાકિસ્તાનમાં પણ જનતા રસ્તા પર ઊતરી છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સોમવારે સેંકડો કટ્ટરપંથીઓના ટોળાએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો. તે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાના ઈશનિંદા સંબંધિત નિર્ણય પર નારાજ હતા. તેમણે ધર્મ અધિકાર અધિનિયમ હેઠળ ઈશનિંદાના આરોપમાંથી એક અહમદિયા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. હદ તો ત્યારે થઈ કે જ્યારે કટ્ટરપંથી જૂથના નેતાએ પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસના માથે 1 કરોડનું ઈનામ જાહેર કરી દીધું.
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહાફુઝ-એ-નબુવત કરી રહ્યું હતું. આમાં જમાત-એ-ઇસ્લામી અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUIF)ના નેતાઓ પણ તેમને સમર્થન આપી રહ્યા હતા. તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માગ કરી રહ્યા હતા. તેમની એ પણ માગ હતી કે કોર્ટ પોતાનો નિર્ણય પલટી નાખે. હજારો પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું હતું. તેઓ બિલ્ડિંગ પાસે પહોંચ્યા. તેમને કોર્ટમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે વોટર કેનન, ટીયરગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. હવે વિરોધનું નેતૃત્વ કરી રહેલા સંગઠન આલમી મજલિસે હવે સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવા માટે 7 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
આ વિવાદ 6 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી શરૂ થયો હતો. SCએ અહમદિયા સમુદાયના મુબારક અહેમદ સાનીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાનીની 7 જાન્યુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સાની પર 2019માં એક કોલેજમાં 'એફસીર-એ-સગીર'નું વિતરણ કરવાનો આરોપ હતો.
એફસીર-એ-સગીર એ અહમદિયા સમુદાય સાથે સંકળાયેલ એક ધાર્મિક પુસ્તક છે. જેમાં અહમદિયા સંપ્રદાયના સંસ્થાપકના પુત્ર મિર્ઝા બશીર અહેમદે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. કુરાન (પ્રિન્ટિંગ અને રેકોર્ડિંગ) (એમેન્ડમેન્ટ) એક્ટ, 2021 હેઠળ સાનીની ધરપકડ કરવામાં આવી હતી.
સાનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે જે એક્ટ હેઠળ તેને સજા કરવામાં આવી રહી છે તે 2019માં હતો જ નહીં. તે ત્યારે પોતાના ધર્મ સંબંધિત પુસ્તકનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર હતા. સુપ્રીમ કોર્ટે સાનીની દલીલ પર સહમતી જણાવી તેને મુક્ત કરી દીધો.
શરૂઆતમાં કોર્ટના આ નિર્ણય પર કોઈ ખાસ પ્રતિક્રિયા જોવા મળી ન હતી, પરંતુ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)એ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર કોર્ટના નિર્ણય વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. વિવિધ સ્થળોએ વિરોધ શરૂ થયા બાદ સુપ્રીમ કોર્ટે 24 જુલાઈના રોજ આ મામલે પોતાની સ્પષ્ટતા આપી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ માને છે કે અહમદિયા સમુદાય ધર્મભ્રષ્ટ છે. તેઓ પોતાને મુસ્લિમ કહી શકતા નથી. તેઓ તેમની મસ્જિદોની બહાર તેમના ધાર્મિક વિચારોનો પ્રચાર કરી શકતા નથી. પરંતુ 6 ફેબ્રુઆરીએ આપેલો તેમનો નિર્ણય કાયદા અનુસાર સાચો હતો. તેઓ કોઇને પણ તે ગુનાની સજા ના આપી શકે જે તેણે કર્યો જ ના હોય. સાનીએ જે કર્યું તે 2021 પહેલાં ગુનો ન હતો.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી પાકિસ્તાનનાં ધાર્મિક સંગઠનો નારાજ થઈ ગયાં. તેઓએ તેનું અલગ રીતે અર્થઘટન કર્યું. તેમણે કહ્યું કે કોર્ટે સ્વીકાર્યું છે કે અહમદિયા સમુદાય તેમની મસ્જિદોની બહાર ધર્મનો પ્રચાર કરી શકે નહીં, જેનો અર્થ છે કે તેઓ તેમની મસ્જિદમાં તેમના ધર્મનું પાલન કરી શકે છે.
કટ્ટરપંથીઓએ કહ્યું કે અહમદિયા સમુદાયને તેમના ઘર, મસ્જિદ અથવા અન્ય કોઈ પણ રીતે તેમના ધર્મની પૂજા અથવા પ્રચાર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કારણ કે તેમનો ધર્મ પયગંબર મોહમ્મદ, ઈસ્લામ અને કુરાનનું સીધું અપમાન કરે છે.
હવે JUIF નેતા મૌલાના અબ્દુલ ગફૂર હૈદરીએ ચેતવણી આપી છે કે જો સુપ્રીમ કોર્ટ અહમદિયા સમુદાયને તેમની મસ્જિદોમાં અથવા અન્ય કોઈ જગ્યાએ તેમના ધર્મનો પ્રચાર કરવાની મંજૂરી આપવાના નિર્ણયની સમીક્ષા નહીં કરે તો ઇસ્લામાબાદમાં અશાંતિ ફેલાઈ જશે. તેમણે કહ્યું કે, કાદિયાનીઓને તેમના ધર્મનો પ્રચાર કરવાની મંજૂરી આપીને બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
આ મામલામાં પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટ પાસે 24 જુલાઈએ આપેલા નિર્ણયમાંથી કેટલીક જોગવાઈઓ હટાવવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 22 ઓગસ્ટે સુનાવણી કરશે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ ઈરફાન સઆદત ખાન અને જસ્ટિસ નઈમ અખ્તર અફઘાન હાજર રહેશે.
દરમિયાન, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાને ધમકી આપવા બદલ પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના નેતા અમીર પીર ઝહીર-ઉલ-હસન શાહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પાકિસ્તાની અખબાર પાક ઓબ્ઝર્વરના જણાવ્યા અનુસાર, TLP નેતાએ ફૈઝ ઈસાને મારવાનો ફતવો બહાર પાડ્યો હતો. FRI અનુસાર, તેમણે પ્રેસ ક્લબની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ન્યાયતંત્ર વિરુદ્ધ નફરત ફેલાવી હતી અને પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ફૈઝ ઈસાની હત્યા કરનાર વ્યક્તિને 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે 1500 TLP કાર્યકરો સામે પણ કેસ નોંધ્યો છે.