અપડેટ@દેશ: ઈરાનના ચાબહારમાં આતંકી હુમલો થયો અને 27 લોકોનાં મોત નીપજ્યા

10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
 
અપડેટ@દેશ: ઈરાનના ચાબહારમાં આતંકી હુમલો થયો અને 27 લોકોનાં મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઈરાનના ચાબહાર અને રસ્ક શહેરોમાં આતંકી હુમલો થયા છે. 11 સુરક્ષાકર્મીઓ અને 16 નાગરિકોનાં મોત થયા છે. લગભગ 10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ હુમલો બુધવારે રાત્રે થયો હતો. આ હુમલો જૈશ-અલ-અદલના આતંકવાદીઓએ કર્યો હતો. મૃતકોમાં 2 પોલીસ અધિકારીઓ, 2 બોર્ડર ગાર્ડ્સ અને 7 સૈનિકો સામેલ છે. ઈરાનના નાયબ ગૃહમંત્રી માજિદ મિરાહમાદીએ કહ્યું કે આતંકવાદીઓ ચાબહારમાં હાજર બોર્ડર ગાર્ડ્સના મુખ્યાલય પર કબજો કરવા માગતા હતા.

જો કે, તેઓ તેમની યોજનામાં સફળ થઈ શક્યા નહીં. ઈરાની મીડિયા IRNAએ અહેવાલ આપ્યો છે કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ અત્યાર સુધીમાં 15 આતંકવાદીઓને મારી નાખ્યા છે.


પાકિસ્તાને ઈરાનમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાની રાજદૂત મુદસ્સિરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, "ઈરાન પર 2 આતંકવાદી હુમલામાં ઘણા સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા. આતંકવાદ સામેની લડાઈમાં અમે ઈરાનની સાથે છીએ."

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેની ઈરાનની સરહદો પર ઘણા સમયથી આતંકી હુમલા થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઈરાની સૈનિકો સુન્ની આતંકવાદીઓ અને ડ્રગ સ્મગલરો સાથે ઘણી વખત અથડામણ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈરાનના રસ્ક શહેરમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જેમાં 11 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.


16 જાન્યુઆરીએ ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠનના બે ટાર્ગેટ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ હુમલામાં 2 બાળકોનાં મોત થયા છે. આ હુમલાના બીજા જ દિવસે પાકિસ્તાને ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મીના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે સિસ્તાન-બલુચિસ્તાનમાં થયેલા હવાઈ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આમાંથી એક બલૂચિસ્તાનનું જૈશ અલ અદલ સંગઠન છે. તેના આતંકવાદીઓ ઘણી વખત ઈરાનની સરહદમાં ઘૂસી ચુક્યા છે અને ત્યાંની સેના પર હુમલા કરી ચૂક્યા છે. જૈશ અલ-અદલના મોટા ભાગના આતંકવાદીઓ અન્ય પાકિસ્તાની આતંકવાદી સંગઠનોમાંથી આવ્યા છે.


2021ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની સેનાના કમાન્ડો 2 ફેબ્રુઆરી 2021ની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વાસ્તવમાં જૈશ-અલ-અદલે ઈરાનના બે સૈનિકોનું અપહરણ કર્યું હતું. તેમને બચાવવા માટે કમાન્ડોએ ઓપરેશન હાથ ધર્યું હતું.

જૈશ અલ-અદલે ફેબ્રુઆરી 2019માં ઈરાની સૈનિકોની બસ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા ઈરાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા. ઓક્ટોબર 2018માં આ આતંકી સંગઠને 14 ઈરાની સૈનિકોનું પણ અપહરણ કર્યું હતું. આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતની મિર્ઝાવેહ બોર્ડર પર થઈ હતી. જેમાંથી 5 સૈનિકોને એક મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

કહેવાય છે કે બાદમાં એક સિક્રેટ ઓપરેશનમાં ઈરાની કમાન્ડોએ ન માત્ર આ જવાનોને બચાવ્યા પરંતુ જૈશ-અલ-અદલના ઘણા આતંકવાદીઓને પણ માર્યા. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂતે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.