અપડેટ@દેશ: વિશ્વ કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

 યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત ગણેશજી આપે છે.
 
અપડેટ@દેશ: વિશ્વ કલ્યાણની કામના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન શ્રી ગણેશ મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

1000 ગણપતિ અથર્વશીર્ષના પઠનથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. પ્રભાસતીર્થમાં મહાવિનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જે યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત ગણેશજી આપે છે.

ભાદરવા માસની નવરાત્રીને ગણેશ નૌરાત્ર તરીકે ગણેશ આરાધનાનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે ત્યારે ગણેશ નૌરત્ર દરમિયાન જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ માટે શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઊર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના મુખ્ય યજમાન પદે આ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં કુલ 59 બ્રાહ્મણો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાથે યજ્ઞ નારાયણને લાડુની કુલ 2750 આહૂતિ આપવામાં આવી હતી.

યજ્ઞના પ્રથમ દિવસે પંચાંગ કર્મ, પ્રધાન સંકલ્પ, ગણપતિ પૂજનમ, પુણ્યહ વાચનમ્, માતૃકા પૂજનમ્, વસોધ્ધારા, આયુષ્ય મંત્ર જપ, નાન્દી શ્રાધ્ધ, આચાર્યાદિઋત્વિગ વરૂણમ્ , વાસ્તુ દેવતા સ્થાપનમ્, યોગીની દેવતા સ્થાપનમ્ ,ક્ષેત્રપાલ દેવતા સ્થાપનમ્, પ્રધાન દેવ પીઠ યંત્ર સ્થાપનમ્, અગ્નિદેવતા આવાહન પૂજનમ્,,ગ્રહશાંતિ,પ્રધાન દેવતા હોમ,સાયં પૂજનમ, આરતી,શયનકર્મ સહિતની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી હતી.