અપડેટ@દેશ: દસ દિવસીય ગણેશોત્સવમાં દરરોજ ગણપતિની આરતી તથા પ્રસાદનું વિતરણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
19ના મંગળવારથી વિધ્નહર્તા ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 'જય ગણેશ દેવા'નો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. દસ દિવસીય ગણેશોત્સવમાં દરરોજ ગણપતિની આરતી તથા પ્રસાદનું વિતરણ થશે. આવતીકાલે પંડાલોમાં ગણપતિનું સ્થાપન થશે દસ દિવસ બાદ ગણેશ વિસર્જન થશે. આ વખતે લોકો ઈકો ફ્રેન્ડલી ગણેશ પસંદ કરી રહ્યા છે.
ઘણા પરિવારો ત્રણ દિવસના ગણેશનું પૂજન અર્ચન કરે છે. અનેક પરીવારો પાંચ કે સાત દિવસના ગણપતિ પૂજન કરે છે.
ઢાંક | ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ સ્વયંભુ અને અતિ પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ખાતે કાલે તા.19ના મંગળવાને અંગારક ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ બાપાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે સિધ્ધિ વિનાયક મંદિરે વહેલી સવારે આરતી કર્યા બાદ 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 1008 લાડુના યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ 11-30થી 1-30 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.
ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગારથી જળહળી ઉઠયું છે. અહીંયા ગણેશ મંદિરે અતિ પ્રાચીન અને સ્વયંભુ ગણેશજીની મૂર્તિ આવેલી છે. અહીં ગણેશજીનું વાહન સિંહ છે. જે આ મુર્તિ પૌરાણીક હોવાની સાબીતી પુરી પાડે છે. કારણ કે સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું. અહીં પાંડવોએ પણ પુજા અર્ચના કરી હોવાની લોક વાયકા છે. આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ ભકતો અહીં રૂબરૂ ન આવી શકે તો તે પોતાના ઘરેથી પોસ્ટ દ્વારા પોતાની મનોકામના એક ચીઠીમાં લખીને પોસ્ટના કવરમાં નાખીને ગણેશ મંદિર ઢાંક લખીને મોકલી આપે તો પણ ગણપતિ બાપ્પા તેમની મનોકામના પુર્ણ કરે છે.
તેથી અહીંયા રોજના ઘણા બધા કવરો દેશ વિદેશમાંથી પણ કવર આવે છે જે કવર મંદિરના પુજારી ભરતગીરી દયાગીરીજી ગોસ્વામી એકાંતમાં ગણપતિ બાપ્પા સમક્ષ વાંચી સંભળાવે છે ને ગણપતિ બાપા ભકતોના દુ:ખ દુર કરે છે. આ ગણપતિ બાપાની મૂર્તી ખુબજ મોટી છે આવડી મોટી સ્વયંભુ મુર્તી આખા ભારતમાં બીજે કયાંય જોવા મળતી નથી. અહીંયા દર રવિ તેમજ મંગળવારના દિવસે ઘણા શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિરના દર્શન કરવા એ એક જીવનનો લહાવો છે તેમ પંકજગીરી ગોસ્વામીએ જણાવેલ છે.