અપડેટ@દેશ: બંધકોની હત્યા બાદ લાખો લોકોનું ઉગ્ર પ્રદર્શન, ઈઝરાયલમાં બાંગ્લાદેશવાળી થશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં વિરોધની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઈઝરાયલના લોકોમાં ઊકળતા ચરુ સમાન રોષ હતો જ, પણ જ્યારે ગાઝા સરહદે સુરંગમાંથી ઈઝરાયલના 6 બંધકના મૃતદેહ મળ્યા ને આ વાત વાયુવેગે વહેતી થઈ ત્યારથી લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે ને નેતન્યાહુ સરકારનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે. જેવું બાંગ્લાદેશમાં શેખ હસીના સાથે થયું હતું એવું જ ઈઝરાયલમાં થઈ રહ્યું છે. તેના જ વડાપ્રધાન નેતન્યાહુનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગેલેન્ટ પણ નેતન્યાહુની નીતિના વિરોધમાં છે. હવે નેતન્યાહુ માટે પોતાની ખુરસી બચાવવાનો પડકાર ઊભો થયો છે.
7 ઓક્ટોબર 2023ના રોજ ગાઝાના આતંકવાદી જૂથ હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હુમલો કરીને ઈઝરાયલને ઊંઘતું ઝડપી લીધું. ઈઝરાયલમાં ઘૂસીને લોકોની નિર્મમ હત્યા કરી. ડિફેન્સમાં વર્લ્ડ પાવર ગણાતા ઈઝરાયલનું નાક કપાવા જેવું થયું હતું. તે અકળાયું ને ગાઝા પર સતત હુમલા કર્યા. ત્યારથી ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ દરમિયાન ગાઝાના આતંકી જૂથ હમાસે ઈઝરાયલના 251 નાગરિકને બંધક બનાવ્યા. ગયા વર્ષે 22 નવેમ્બર, 2023એ ચાર દિવસનો યુદ્ધવિરામ થયો. એ દરમિયાન હમાસે 24 બંધકને છોડ્યા, જેમાં 13 ઈઝરાયલી, 10 થાઈલેન્ડના અને 1 ફિલિપિન્સનો નાગરિક હતો. તેની સામે ઈઝરાયલે પણ 39 પેલેસ્ટાઈની નાગરિકને છોડ્યા. આ સમજૂતી સાથે યુદ્ધવિરામ વધુ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું. એમાં હમાસે 110 ઈઝરાયલી બંધક અને ઈઝરાયલે 240 પેલેસ્ટાઈનીને મુક્ત કર્યા. આ પછી પણ હમાસની કેદમાં 103 બંધક હતા, એમાંથી 6 બંધકને હમાસના આતંકીઓ ઈઝરાયલ બોર્ડર પરની સુરંગમાં લઈ ગયા હતા. છએ છને લાઈનમાં ગોઠણભેર બેસાડી માથામાં ગોળી મારી દીધી હતી. નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલા ઈઝરાયલના સૈનિકો સુરંગમાં પહોંચ્યા તો 6 નિર્દોષ નાગરિકની લાશ મળી હતી. ઈઝરાયલના 97 બંધક હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલના 6 નિર્દોષ બંધક માર્યા ગયા, તેની સામે ઈઝરાયલ સરકાર વિરુદ્ધ લોકરોષ ફાટી નીકળ્યો ને લોકો રસ્તા પર ઊતરી આવ્યા.
જે 6 બંધક માર્યા ગયા તેમના માટે હમાસે એવું કહ્યું કે આને અમે નથી માર્યા. ઈઝરાયલે જે હુમલા કર્યા એમાં જ મર્યા છે. તો ઈઝરાયલે એવું કહ્યું કે અમે ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવ્યા. એમાં એવું જાણવા મળ્યું કે આ તમામને એકદમ નજીકથી ગોળી મારવામાં આવી છે. ઈઝરાયલના મીડિયામાં હમાસ વિરુદ્ધ ગાઈવગાડીને વાતો કરવામાં આવી રહી છે. જૂન-2024માં નોવા નામની 24 વર્ષની યુવતી હમાસના કબજામાંથી મુક્ત થઈને ઈઝરાયલ પહોંચી હતી. મીડિયા તેની પાછળ પડી ગયું. નોવાના શરીરે ઈજાનાં નિશાન હતાં. ત્યારે તેણે મીડિયાને કહેલું કે હમાસે મને કોઈ ઈજા પહોંચાડી નથી. મને જે ઈજા થઈ છે એ ઈઝરાયલના હુમલામાં થઈ છે. ત્યારથી ઈઝરાયલ માટે નોવા અળખામણી બની ગઈ છે.
બંધકોની ઓળખ કાર્મેલ ગેટ, એડન યેરુશાલ્મી, હર્ષ ગોલ્ડબર્ગ-પોલિન, એલેક્ઝાન્ડર લોબાનોવ, અલ્મોગ સરુસી અને માસ્ટર સાર્જન્ટ ઓરી ડેનિનો તરીકે કરવામાં આવી છે. આમાં એક અમેરિકન નાગરિક પણ સામેલ હતો.
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થાય એ માટે ચાર વખત પ્રસ્તાવ લાવવામાં આવ્યા. માર્ચ-2024માં ચોથી વખત પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે 15માંથી 14 દેશ યુદ્ધવિરામની તરફેણમાં હતા, પણ અમેરિકાએ વોટિંગ કર્યું નહીં, જોકે 15માંથી 14 દેશ યુદ્ધવિરામની તરફેણમાં હોવા છતાં ઈઝરાયલ માન્યું નહીં ને હમાસ પર સતત હુમલા ચાલુ રાખ્યા. અમેરિકા પણ ઈઝરાયલને હથિયારો મોકલીને મદદ કરતું રહ્યું.
કતાર અને ઈજિપ્તની વાત હમાસે માની લીધી, પણ ઈઝરાયલે નહીં...
7 મે, 2024ના દિવસે કતાર અને ઈજિપ્ત જેવા પાડોશી દેશે યુદ્ધવિરામનો પ્રસ્તાવ હમાસ અને ઈઝરાયલ સમક્ષ મૂક્યો. એ વખતે હમાસે કતાર અને ઈજિપ્તની વાત માની લીધી અને યુદ્ધ પૂરું કરવાની તૈયારી બતાવી, પણ ઈઝરાયલે વાત માની નહીં.
ઈઝરાયલ યુદ્ધને કારણે વગોવાઈ ગયું છે. લોકોનો પણ રોષ છે અને વડાપ્રધાન નેતન્યાહુ સામે દેશના રક્ષામંત્રીને બારમો ચંદ્રમા છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલેન્ટ હંમેશાં નેતન્યાહુની નીતિનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ગાઝા પર સતત હુમલાના વિરોધમાં છે, પણ નેતન્યાહુ તેના રક્ષામંત્રીનું પણ સાંભળતા નથી. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી બંને વચ્ચે અનબન છે. એક તબક્કે તો તેમણે વડાપ્રધાન નેતન્યાહુને ચેતવણી આપી હતી કે પેલેસ્ટાઇનની જમીન પર ક્યારેય ઈઝરાયલનું શાસન થવા નહીં દઉં. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ થયા બાદ આવું પહેલીવાર બન્યું, જ્યારે નેતન્યાહુની પોતાની જ સરકારના કોઈ મંત્રીએ તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હોય. ગેલન્ટના નિવેદન બાદ ઈઝરાયલના બીજા મંત્રીઓ નારાજ છે અને રક્ષામંત્રીને બરતરફ કરવાની માગણી કરી રહ્યા છે, પણ નેતન્યાહુએ હજી સુધી ગેલેન્ટ સામે કોઈ પગલાં લીધાં નથી.
31 જુલાઈ, 2024ના દિવસે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયન તેહરાનમાં શપથ લેવાના હતા. આ શપથ સમારોહમાં હમાસના પોલિટિકલ બ્યૂરો ચીફ ઈસ્માઈલ હાનિયેહને પણ આમંત્રણ અપાયું હતું. હાનિયેહ તેહરાનમાં જ્યાં ઊતર્યા હતા ત્યાં મિસાઈલથી હુમલો કરીને હાનિયેહની હત્યા કરવામાં આવી. ઈરાને આરોપ લગાવ્યો કે આ હુમલો ઈઝરાયલે કર્યો છે. ઈઝરાયલે ત્યારે મગનું નામ મરી પાડ્યું નહીં.
આ ઘટનાના બીજા મહિને ઓગસ્ટ-2024માં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકન મિડલ ઈસ્ટ પહોંચ્યા. દોહામાં મિટિંગ કરી, પણ હમાસે એ મિટિંગમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો. હમાસે કહ્યું હતું કે ઈઝરાયલ યુદ્ધવિરામ ઈચ્છતું નથી તો મિટિંગમાં ભાગ લેવાનો અર્થ નથી. આ મિટિંગ ઓગસ્ટની શરૂઆતમાં થઈ. પછી યુદ્ધવિરામ માટે બીજી મિટિંગ 25 ઓગસ્ટ, 2024ના દિવસે ઈજિપ્તની રાજધાની કાયરામાં થઈ. ત્યાં પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહીં. યુદ્ધવિરામ માટે આટલા પ્રયાસો પછી પણ એ કેમ થતો નથી? એનાં બે કારણ છેઃ
1. હમાસ ઈચ્છે છે કે યુદ્ધ કાયમી ધોરણે બંધ થઈ જાય.
2. ઈઝરાયલ ઈચ્છે છે કે યુદ્ધ સતત ચાલુ રહે
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પહેલેથી સતત કહેતા આવ્યા છે કે અમે ગાઝાના નકશા પરથી હમાસનું નામો નિશાન નહીં મિટાવી દઈશું, ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે. ગાઝામાં ઈઝરાયલે અત્યારસુધી જેટલા હુમલા કર્યા એમાં 40 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
તેલઅવીવ સહિતના વિસ્તારોમાં લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા ને હડતાળનું અલાન કર્યું છે. આ લાખો લોકોમાં કોલેજના સ્ટુડન્ટ્સ, ઈઝરાયલના મજબૂત ગણાતા ટ્રેડ યુનિયન, બિઝનેસ પર્સન, વેપારીઓ પણ સામેલ છે, સાથે મજૂરોએ પણ કામથી દૂર રહેવાની જાહેરાત કરી છે. આરોગ્ય, પરિવહન અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં 8 લાખ કર્મચારીનું પ્રતિનિધિત્વ કરતા ટ્રેડ યુનિયને કહ્યું હતું કે અનિશ્ચિત મુદત માટે હડતાળ શરૂ થશે. જો અગત્યનાં ક્ષેત્રોમાં કામ કરતા લોકો હડતાળ પર ઊતરી જાય છે તો ઈઝરાયલના અર્થતંત્રને મોટી અસર થઈ શકે છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બ્રિટને મોટી જાહેરાત કરી છે. બ્રિટને ઈઝરાયલમાં નિકાસ કરવામાં આવતાં કેટલાંક હથિયારો પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટનને આશંકા છે કે આ હથિયારોના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ગંભીર ઉલ્લંઘન થઈ શકે છે.
બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ લેમીએ હાઉસ ઓફ કોમન્સમાં નિવેદન આપ્યું છે કે 350માંથી 30 હથિયારનાં નિકાસ લાઇસન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જોકે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હથિયારોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં.
બ્રિટનની શાસક લેબર પાર્ટીની સરકાર ગાઝામાં યુદ્ધ વચ્ચે ઇઝરાયલ સામેના કડક વલણ માટે દબાણ હેઠળ હતી. આ વર્ષે જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટી સત્તામાં છે અને સત્તામાં આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું 19 મે, 2024ના દિવસે હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું. ત્યારે એવું કહેવાતું હતું કે આ એક ષડયંત્ર હતું, પણ એની તપાસ થઈ. ઈરાનની આર્મીના જનરલ સ્ટાફના સુપ્રીમ બોર્ડે રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ખરાબ વાતાવરણને કારણે જ ક્રેશ થયું હતું, આ કોઈ ષડયંત્ર નહોતું.