અપડેટ@અમેરિકા: સ્કિલ્ડ પ્રોફેશનલ ભારતીયો માટે એચ કેટેગરી વીઝાનો પ્રસ્તાવ તૈયાર કરાયો
અમેરિકામાં ચાલુ વર્ષે ભારતીયો માટે 25 હજાર સ્પેશિયલ વીઝા ઇસ્યૂ કરવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતના લોકો વિદેશમાં વસીને નોકરી કરી રહ્યા છે. કેટલાક લોકો અભ્યાસ માટે પણ જાય છે. અમેરિકામાં વસવા માટે ભારતીયો માટે નવો માર્ગ ખુલવા જઇ રહ્યો છે. સ્કિલ્ડ પ્રોફેશનલ ભારતીયો માટે એચ કેટેગરી વીઝાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ વર્ષે લગભગ 25 હજાર ભારતીયોને આ કેટેગરીમાં વીઝા જારી કરાશે. એચ એટલે હાર્ટલેન્ડ સ્ટેટમાં પ્રોફેશનલ્સને કામ કરવાની તક અપાશે. હાર્ટલેન્ડ સ્ટેટ મિશિગન, ડકોટા જેવા રાજ્યોને કહેવાય છે, જે ન્યૂયોર્ક, ટેક્સાસ અને ફ્લોરિડા જેવા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે વધુ પછાત છે.
બાઇડેન સરકારનું માનવું છે કે હાર્ટલેન્ડ સ્ટેટમાં ભારતીય પ્રોફેશનલ્સને વીઝા જારી કરવાથી અહીંના આર્થિક વિકાસમાં તેજી આવશે. આ કેટેગરીને ભારતીયોને ધ્યાનમાં રાખતા વિશેષ રીતે તૈયાર કરાઇ છે. અમેરિકામાં ગ્રીન કાર્ડમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ હોવાને કારણે એચ કેટેગરીથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ આવી શકશે. અમેરિકામાં કામ કરવા અથવા વસવા ઇચ્છતા ભારતીય મોટા શહેરો જેમ કે કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં જાય છે. હાર્ટલેન્ડ રાજ્યોને આગળ લાવવા આ સ્કીમ બનાવાઇ છે.
એચ કેટેગરીમાં દર 4 મહિને વીઝા જારી કરાશે. હાર્ટલેન્ડ સ્ટેટ સંઘીય સરકારને પોતાની માંગ જણાવશે. આ હિસાબથી વીઝા ઇચ્છતા લોકોને રાજ્યોની ફાળવણી કરાશે. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે વીઝા જારી થશે, જે 6 વર્ષ સુધી વધારી શકાશે. છ વર્ષ બાદ અમેરિકામાં સ્થાયી નિવાસ માટે અરજી કરી શકાશે.