અપડેટ@આસામ: ટ્રિપલ મર્ડર કેસમાં એન્કાઉન્ટર, બંને આરોપીને ગોળી વાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આસામના દુલિયાજાન ટ્રિપલ મર્ડર કેસમાં મંગળવારે મોડી રાત્રે મોટી ઘટના બની. હથિયારની બરામદગી માટે લઈ જવામાં આવેલા બંને આરોપીઓએ ભાગવાની કોશિશ કરતા પોલીસે ફાયરિંગ કરવું પડ્યું.
પોલીસ ફાયરિંગમાં બંને આરોપી *રાજુ દાસ અને અમીર દાસના પગમાં ગોળી વાગી* છે. આ ઘટનામાં *2 પોલીસકર્મી મનોજ લાહોન અને નિતુલ સૈકિયા પણ ઘાયલ* થયા છે.
*શું થયું હતું?*
પોલીસ ટીમ બંને આરોપીઓને હત્યામાં વપરાયેલો હથોડો શોધવા માટે ડિબ્રુગઢ જિલ્લાના બાલીજાન ટી એસ્ટેટ લઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 11 વાગ્યે બંને આરોપીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કરી અંધારાનો લાભ લઈ ભાગવાની કોશિશ કરી. પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે કુલ *5 રાઉન્ડ ફાયરિંગ* કર્યું. જેમાંથી 4 ગોળી બંનેના પગમાં વાગી.
બંને આરોપીઓને સારવાર માટે ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘાયલ પોલીસકર્મીઓની સારવાર દુલિયાજાનની ઓઈલ હોસ્પિટલમાં ચાલી રહી છે. હોસ્પિટલમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
*ટ્રિપલ મર્ડર શું હતું?*
16 નવેમ્બરે દુલિયાજાનના કમલાબાડીમાં ઓઈલ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારી ચંદ્રકાંત ભુઈયાં, તેમના પત્ની એલિઝા અને દીકરી નિહારિકાની હથોડા અને લોખંડના સળિયા વડે હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘરમાંથી રોકડ, સોનાના દાગીના અને કિંમતી સામાન લૂંટી લેવાયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રાજુ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં લગભગ *4 લાખ રૂપિયા હારી ગયો* હતો. કરજ ચૂકવવા માટે જ તેણે લૂંટ અને હત્યાની સાજીશ રચી હતી. 17 નવેમ્બરે બંનેને સિમલુગુડી રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવાયા હતા.હાલ પોલીસ હત્યામાં વપરાયેલા મુખ્ય હથિયારની શોધ ચાલુ રાખી છે.

