અપડેટ@દેશ: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું, ભારત આવ્યા
સેના વચગાળાની સરકાર બનાવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હિંસાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. બાંગ્લાદેશ હાલ હિંસા પ્રવર્તી છે. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ PM શેખ હસીનાએ સોમવાર, 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે.
બીજી તરફ ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર છે. આર્મી ચીફે લોકોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી છે. કહ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લાવીશું. વિશ્વાસ રાખો. લગભગ 4 લાખ લોકો રસ્તા પર છે. રાજધાનીમાં વિવિધ સ્થળોએ હિંસા અને તોડફોડ થઈ રહી છે. પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધું છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે વડા પ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે. તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે.
તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીના લશ્કરી હેલિકોપ્ટર દ્વારા ભારત પહોંચ્યા છે. તેમના પશ્ચિમ બંગાળમાં હોવાના સમાચાર છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. બાંગ્લાદેશી અખબાર પ્રથમ આલો અનુસાર, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થઈ છે. જેમાં 6થી વધુ લોકોનાં મોત થયા છે. પ્રદર્શનકારીઓએ તાંગેલ અને ઢાકામાં મહત્ત્વના હાઈવે પર કબજો જમાવી લીધો છે.