અપડેટ@બાંગ્લાદેશ: ફરી હિંસાનો ભડકો: BNPના 2 નેતાની હત્યા બાદ 50 ઘર સળગાવ્યા

આગ લગાવવામાં આવી હતી અને લૂંટપાટ કરવામાં આવી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બાંગ્લાદેશમાં રાજકીય હિંસાએ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નરાઇલ જિલ્લામાં સત્તારૂઢ પાર્ટી BNPના 2 નેતાઓની હત્યા બાદ બદલાની ભાવનાથી 50થી વધુ ઘર અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે.

બુધવારે નરાઇલના કાલિયા વિસ્તારમાં વિરોધ રેલીમાંથી પરત ફરી રહેલા BNPના બે નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંનેના મોત થયા હતા. પોલીસનું માનવું છે કે હુમલાખોરો પ્રતિબંધિત અવામી લીગના કાર્યકરો હતા.

આ ઘટના બાદ શુક્રવારે કાલિયા ઉપજિલ્લાના બેંદર ચાર ગામમાં હિંસા ભડકી હતી. ટોળાએ અવામી લીગના નેતાઓ અને સમર્થકોના ઘરોને નિશાન બનાવ્યા હતા. પૂર્વ સાંસદ કબીરુલ હક મુક્તિનું પૈતૃક ઘર સહિત અનેક નેતાઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બજારમાં અનેક દુકાનોમાં પણ આગ લગાવવામાં આવી હતી અને લૂંટપાટ કરવામાં આવી હતી.

આ હિંસા એવા સમયે થઈ છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ દેશના 18 જિલ્લામાં હિંસા ફેલાઈ ચૂકી છે.

વડાપ્રધાન તારિક રહેમાને આ ઘટના માટે અવામી લીગને જવાબદાર ઠેરવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અવામી લીગ દેશને અસ્થિર કરવા માટે ષડયંત્ર રચી રહી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પણ આગજની અને પેટ્રોલ બોમ્બ હુમલા પાછળના લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

હાલ નરાઇલમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.