અપડેટ@દેશ: કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસની તપાસ CBIને સોંપી

કોર્ટ તપાસ પર નજર રાખશે

 
અપડેટ@દેશ: કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસની તપાસ CBIને સોંપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. કલકત્તા હાઈકોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસની તપાસ CBIને સોંપી. પોતાના આદેશમાં કહ્યું હતું કે CBI કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરશે અને રિપોર્ટ સબ્મિટ કરશે. આ કેસની આગામી સુનાવણી હવે 2 મેના રોજ થશે.

સંદેશખાલીની મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસ ના નેતાઓ પર કથિત જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં શેખ શાહજહાં, શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

હાઇકોર્ટના આદેશ બાદ હવે રાજ્યની મમતા બેનર્જી સરકાર સીબીઆઈ તપાસને રોકી શકશે નહીં. હકીકતમાં રાજ્ય સાથે સંબંધિત કોઈપણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ હવે આની જરૂર નહીં પડે.

પશ્ચિમ બંગાળ સરકારે 16 નવેમ્બર, 2018એ સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી 'સામાન્ય સહમતી' પાછી ખેંચી લીધી હતી. એ સમયે મમતા બેનર્જીએ ચિટ ફંડ કૌભાંડને લઈને કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.


દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કલમ 2 હેઠળ સીબીઆઈ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલમ 3 હેઠળ ગુનાઓ પર તેની પોતાની તપાસ શરૂ કરી શકે છે. રાજ્યોમાં તપાસ શરૂ કરતાં પહેલાં સીબીઆઈએ કલમ 6 હેઠળ રાજ્ય સરકાર પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.

CBIને 4 રીતે કેસ આપી શકાય છે

  • કેન્દ્ર સરકાર પોતે CBI તપાસનો આદેશ આપે
  • હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટે CBI તપાસનો આદેશ આપે
  • રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને CBI તપાસની ભલામણ કરે
  • કોઈ કેસ અંગે જાહેર માગણી હોવી જોઈએ. આ કેસ પણ સરકાર નક્કી કરે છે.

આ પહેલાં 4 એપ્રિલે કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું 1% સત્ય પણ શરમજનક છે. કોર્ટે કહ્યું હતું કે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ આ માટે 100% નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે.

સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સાથી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે શિબુ હાઝરા, ઉત્તમ સરદાર, શાહજહાં સહિત 18 લોકોની ધરપકડ કરી છે.

શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા રહી ચૂક્યા છે. રેશનકૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ તેમના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. એ બાદ શાહજહાં ફરાર થઈ ગયો હતો. તે 55 દિવસ પછી પકડાયો હતો.


ચીફ જસ્ટિસ- ધારો કે એક એફિડેવિટ પણ સાચી હોય તો એ શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ 100 ટકા નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે. જો તમે એસસી-એસટી નેશનલ કમિશનનો રિપોર્ટ જુઓ અને જો એમાં એક ટકા પણ સત્ય હોય તો એ 100 ટકા શરમજનક છે. બંગાળ મહિલા સુરક્ષાના સંદર્ભમાં NCRB ડેટા દર્શાવે છે.

અન્ય પીઆઈએલ અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે આ કેસમાં સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે સુરક્ષાના કારણોસર કોઈ મહિલા કોર્ટમાં જુબાની આપવા આગળ આવી નથી.

અન્ય અરજીકર્તાના વકીલ પ્રિયંકા ટિબ્રેવાલે કહ્યું, 'મોટા ભાગની મહિલાઓ અભણ છે. ઈ-મેલ ભૂલી જાઓ, તે પત્રો પણ લખી શકતી નથી. 500થી વધુ મહિલાઓએ અમારી સામે જાતીય અત્યાચારની ફરિયાદ કરી છે. અમારી પાસે એફિડેવિટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એક જ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. તેના 1000 સાથી ગામમાં ફરે છે અને તેને શાહજહાં વિરુદ્ધ નિવેદનો ન આપવાની ધમકી આપી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે જો મહિલાઓ નિવેદન આપશે તો તેઓ તેમના પતિ અને બાળકોનું માથું કાપીને ફૂટબોલ રમશે.