અપડેટ@કેનેડા: PM ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીય વિદ્યાર્થીઓનાં માથે સંકટ

કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના
 
અપડેટ@કેનેડા: PM ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી ભારતીય વિદ્યાર્થીઓનાં માથે સંકટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના મોટા ભાગના લોકો વિદેશમાં જઈને વસી ગયા છે. કેનેડામાં રહેતા 40 ટકા વિદેશી વિદ્યાર્થીઓ ભારતના છે. સ્ટુડન્ટ વિઝાને લઇને કેનેડામાં વસવાનું સપનું જોતા યુવાઓ માટે હવે ટ્રુડોની નવી ઈમિગ્રેશન પોલિસીથી મોટો ઝટકો લાગ્યો છે. આ જ કારણ છે કે પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધારે વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પાછા ફરવાની તલવાર લટકી રહી છે. ત્યાં જ વિરોધપ્રદર્શન પણ શરૂ થઈ ગયું છે. ચાલો... જાણીએ કે આખરે કેનેડામાં આટલા ભારતીય વિદ્યાર્થીઓ કેમ જઈ રહ્યા છે. આ સિવાય ટ્રુડોની નવી પોલિસીની ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે.

નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે 'અમે કેનેડામાં ઓછા વેતનવાળા, અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે'. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેમની આ જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે જો આપણે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યારસુધીમાં 9,00,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે. હવે 2024ના અંત સુધીમાં 5,00,000 કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી.


આ વર્ષની શરૂઆતમાં, કેનેડિયન સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એકંદર અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડવાનો તેનો ઇરાદો દર્શાવ્યો હતો.
આ કેપ વિદેશી કામદારો તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને આશ્રય શોધનારાઓને લાગુ પડશે.


કેનેડાની સરકાર અત્યારસુધી કહેતી આવી છે કે ઈમિગ્રન્ટ્સને અહીં લાવવાનું એક મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવાનું છે. જોકે હવે પોલિસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ પોતાને ઠગી લેવાયા હોય એવું અનુભવી રહ્યા છે. ઈમિગ્રેશનનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહેકદીપ સિંહે જણાવ્યું કે મેં કેનેડા આવવા માટે છ વર્ષનું જોખમ લીધું હતું. મેં અભ્યાસ કર્યો, કામ કર્યું, લોનની ચુકવણી કરી અને કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)માં જરૂરી પોઈન્ટ્સ પૂરા કર્યા, પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવીને પોલિસી બદલી નાખી છે. અમને છેતરાઈ ગયાની લાગણી થઈ રહી છે.


તમને જણાવી દઈએ કે કેનેડામાં વિદ્યાર્થીઓ પહેલાંથી જ આવાસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આવાસ સમસ્યાને લઈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ભારે હોબાળો મચ્યો હતો. અહીં આવાસનું બાંધકામ ખૂબ જ ઓછું છે અને રેકોર્ડ-ઊંચા વ્યાજદરોએ નવા હાઉસિંગ એકમોને સામાન્ય કેનેડિયનો અને નવા ઈમિગ્રન્ટ્સની પહોંચની બહાર કરી દીધા છે. જો નોકરીની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલાંથી જ પાર્ટટાઈમ જોબનું સંકટ છે. અહીં પહેલાંથી જ વિદેશી વિદ્યાર્થીઓ આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહે છે. હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે અઘરું સાબિત થશે.


તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થી ચિરાગ અંતિલની ગોળી મારીને હત્યા અને ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના સમાચારે પણ ભારતીય વિદ્યાર્થીઓનું મનોબળ તોડી નાખ્યું છે. વિદેશમંત્રીએ પણ ચિરાગ અંતિલના મામલે નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીની માગ કરી હતી. હવે નવી પોલિસીથી ટ્રુડો સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અહીં શિક્ષણ, નોકરી કે નાગરિકતા મેળવવી મુશ્કેલ બનશે.