અપડેટ@દેશ: કાવડ યાત્રાને લઈને યોગી સરકારના આદેશ પર વિવાદ જોવા મળ્યો, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યુપીમાં કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. જેનો વિરોધ કરવામાં આવ્યો છે. યુપીમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનોમાં દુકાનદારોએ તેમના નામ લખાવવાના રહેશે. તેમાં દુકાન માલિકનું નામ અને વિગતો લખવામાં આવશે. સીએમ યોગીએ આ આદેશ આપ્યો હતો.
સરકારનું કહેવું છે કે કાવડ યાત્રીઓની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હલાલ સર્ટિફિકેશનવાળા પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. યુપી બાદ ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કહ્યું- આ નિર્ણય ચૂંટણીલક્ષી લાભ માટે છે. આ એક ચોક્કસ ધર્મના લોકોનો આર્થિક બહિષ્કાર કરવાનો પ્રયાસ છે. સાથે જ પ્રિયંકા ગાંધીએ આ નિર્ણયને લોકશાહી પર હુમલો ગણાવ્યો છે. જ્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે.
યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું- આ એક અવ્યવહારુ કાર્ય છે. આ તાત્કાલિક રદ થવું જોઈએ. યુપીમાં મુઝફ્ફરનગર પોલીસે સૌથી પહેલા દુકાનદારોને દુકાનોની બહાર તેમના નામ લખવાનો આદેશ આપ્યો હતો. પોલીસની દલીલ એવી હતી કે આનાથી કાવડ યાત્રીઓમાં મૂંઝવણ ઊભી નહીં થાય. મતલબ, દુકાનદારનો ધર્મ જાણી શકાશે. આ વર્ષે કાવડ યાત્રા 22 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. યુપીમાં દર વર્ષે 4 કરોડ કાવડિયા હરિદ્વારથી પાણી એકત્રિત કરે છે.