અપડેટ@દેશ: આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડી પર વિજયવાડામાં હુમલો કર્યો

ફૂલોની સાથે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા
 
અપડેટ@દેશ: આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડી પર વિજયવાડામાં હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હાલ ચૂંટણીનો માલ જામ્યો છે. પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. કેટલીય જગ્યાઓ પર વિરોધ પણ જોવા મળી રહ્યો છે.  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના અધ્યક્ષ YS જગન મોહન રેડ્ડી પર શનિવારે રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જગન મોહન ઘાયલ થયા હતા. તેમના કપાળ પર ઈજા થઈ છે.

મળતી માહિતી અનુસાર, જગન મોહને વિજયવાડામાં મેમંથા સિદ્ધમ (અમે બધા તૈયાર છીએ) બસ માર્ચ કાઢી હતી. તે બસની ઉપરથી લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર ફૂલોની સાથે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. YSRCPએ જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિએ મુખ્યમંત્રી પર પથ્થર ફેંક્યો હતો, જેના કારણે તેમની ડાબી આંખ ઉપર ઈજા થઈ હતી. સીએમને પ્રાથમિક સારવાર માટે બસમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ સીએમ રેડ્ડીએ પોતાની બસ યાત્રા ફરી શરૂ કરી.

પાર્ટીએ મુખ્યમંત્રી પર હુમલા માટે તેલુગુ દેશમ પાર્ટીને જવાબદાર ગણાવી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ટીડીપીના લોકો સીએમ રેડ્ડીની મુલાકાતની લોકપ્રિયતા સહન કરી શક્યા નથી. તેનો જવાબ રાજ્યની જનતા 13 મેના રોજ આપશે.

આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી છે આંધ્ર પ્રદેશમાં 13 મેના રોજ 25 લોકસભા અને 175 વિધાનસભા સીટો માટે મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં YSRCPની સરકાર છે. વિપક્ષનું નેતૃત્વ ટીડીપી કરી રહ્યું છે, જેનું નેતૃત્વ ચંદ્રબાબુ નાયડુ કરી રહ્યા છે. તેઓ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

આંધ્રપ્રદેશમાં TDP, BJP અને જનસેના પાર્ટી (JSP) સાથે મળીને ચૂંટણી લડશે. જનસેના પાર્ટી 175 બેઠકોમાંથી 21 બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ 10 સીટો પર ચૂંટણી લડશે જ્યારે ટીડીપી 144 સીટો પર ચૂંટણી લડશે.