અપડેટ@દેશ: મલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર વિમાન દુર્ઘટનાના કેટલાક બનાવો સામે આવતા હોય છે. આફ્રિકન દેશ મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ ઉપરાષ્ટ્રપતિના વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. વિમાનમાં 9 લોકો સવાર હતા. તેમાંથી કોઈ બચ્યું નથી.
મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન 10 જૂન, સોમવારે સવારે રડારથી ગુમ થયું હતું. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, એવિએશન ઓથોરિટીએ ઘણી વખત પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.
ચીલીમાના વિમાને સોમવારે બપોરે ભારતીય સમય અનુસાર 2:47 કલાકે મલાવીની રાજધાની લિલોન્ગવેથી ઉડાન ભરી હતી. લગભગ 45 મિનિટ પછી તે મજુજુ શહેરના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. જો કે ખરાબ હવામાનને કારણે તે લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી, પ્લેનને લિલોંગવે પરત લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ પછી આ પ્લેન ગુમ થઈ ગયું હતું. મલાવીએ આ વિમાનને શોધવા માટે અમેરિકા, બ્રિટન, નોર્વે અને ઈઝરાયેલની સરકારો પાસે પણ મદદ માંગી હતી.
મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ સોમવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે મને પૂરી આશા છે કે અમે સમયસર વિમાન અને તેમાં સવાર તમામ લોકોને શોધવામાં સફળ થઈશું. પ્લેન જ્યાંથી પસાર થઈ રહ્યું હતું તે રસ્તે 10 કિલોમીટરના ફોરેસ્ટ રિઝર્વમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દુર્ઘટનાને જોતા રાષ્ટ્રપતિએ બહામાસનો તેમનો પ્રવાસ રદ કર્યો હતો.
51 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ ચિલિમા છેલ્લા 10 વર્ષથી મલાવીના ઉપરાષ્ટ્રપતિ છે. તેમને આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. 2022માં ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ગયા મહિને પબ્લિક પ્રોસિક્યુશનના ડાયરેક્ટર દ્વારા કેસ બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. આ પછી મલાવીની એક અદાલતે તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપો કાઢી નાખ્યા. ચિલિમાએ હંમેશા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.