અપડેટ@દેશ: સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં આરોપીઓ સાથેની વાતચીત અને પુછપરછના આધારે પોલીસે શકમંદોની અટકાયત કરી

આરોપીએ ઘટના પાછળનો ઈરાદો જણાવ્યો
 
અપડેટ@દેશ: સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં આરોપીઓ સાથેની વાતચીત અને પુછપરછના આધારે પોલીસે શકમંદોની અટકાયત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં હાથ ધરાયેલ તપાસમાં વધુ બે શકમંદ વ્યક્તિના નામ સામે આવ્યા છે. તેમાંથી એક સોફ્ટવેર એન્જિનિયર છે અને બીજો બેરોજગાર છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે, કર્ણાટકના બાગલકોટ શહેર સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરની પૂછપરછ હાથ ધરી છે. આ સોફ્ટવેર એન્જિનિયર મનોરંજન ડીનો મિત્ર હોવાનું કહેવાય છે. શકમંદ વ્યક્તિનું નામ સાઈ કૃષ્ણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી શકમંદ વ્યક્તિનુ નામ અતુલ કુલશ્રેષ્ઠ હોવાનું કહેવાઈ રહ્યું છે. અતુલ ઉત્તર પ્રદેશના જાલૌન શહેરનો રહેવાસી છે.

પોલીસે અતુલ કુલશ્રેષ્ઠની પણ પૂછપરછ હાથ ધરી છે. અતુલ કુલશ્રેષ્ઠની ઉંમર 50 વર્ષ જણાવવામાં આવી છે અને હાલમાં તે બેરોજગાર છે. આરોપી અતુલ કુલશ્રેષ્ઠને ચાર બાળકો છે. તેના મોટા પુત્રની ઉંમર 25 વર્ષની આસપાસ છે. સંસદની સુરક્ષામાં ક્ષતિ કેસમાં પકડાયેલા આરોપીઓ સાથેની પુછપરછ અને વાતચીતના આધારે પોલીસે શકમંદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે ચેટ કરતા હોવાનુ સામે આવ્યું છે. પકડાયેલા તમામ આરોપીઓ અને શકમંદ વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ભગતસિંહ ફેન ક્લબના સમૂહમાં સામેલ હતા. તેઓ ગ્રૂપમાં ચેટિંગ કરતો હતો.

સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં,દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 13 ડિસેમ્બરે સંસદ ગૃહમાં સ્મોક બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર સંસદ ભવનમાં ધુમાડા છવાઈ ગયા હતા. આરોપીઓએ રંગીન સ્મોક સ્ટિકનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓએ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓએ મણિપુર હિંસા, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આવું કર્યું હતું.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ સમગ્ર મામલાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. સાગર શર્મા અને મનોજરંજન ડીની સંસદની અંદરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નીલમ આઝાદ અને અમોલ શિંદેની સંસદની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી લલિત ઝા આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. આ સિવાય અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેનું નામ મહેશ કુમાવત છે. કુમાવત પર ઝાને મદદ કરવાનો આરોપ છે.