અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે

17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ઉજવાશે 
 
અપડેટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલય આયુષ્યમાન ભવ કાર્યક્રમની ભેટ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરાવશે.અંગદાન માટે ખાસ જાગૃતિ -અભિયાન ચલાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ સાંસદ, ધારાસભ્ય તથા ક્લેક્ટર જિલ્લા સ્તરે કાર્યક્રમ કરાવશે. આયુષ્માન મેળો જે તે હેલ્થ સેન્ટર પર આયોજિત કરવામાં આવશે.

યોજનાનું એલાન કરશે

આયુષ્માન વિલેજ અભિયાન અંતર્ગત આભા એકાઉન્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય એવા પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગે એક પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી હતી. ભાજપ પક્ષ વડાપ્રધાન મોદીના જન્મદિવસને 15 દિવસ સુધી ઉજવશે. જેમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ગણાવવામાં આવશે. વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે, આ દિવસે વિશ્વકર્મા જયંતિ પણ છે. પીએમ મોદી એ જ દિવસે મેગા વિશ્વકર્મા યોજના પણ લાગુ કરશે. જેનો લાભ દેશના દરેક વ્યક્તિને મળે એ પ્રકારે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જોકે, આ માટેના પ્લાનિંગ શરૂ થઈ ચૂક્યા છે.

કાર્યક્રમો ઉજવાશે

ભાજપના ઓબીસી મોરચા દ્વારા આ દિવસે રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભે ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી નરેન્દ્ર કશ્યપની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં મોરચા દ્વારા બાઇક રેલી કાઢવા સહિત અન્ય કાર્યક્રમો પર મંથન થશે. સેવા પખવાડામાં તમામ મોરચાના કાર્યકરો અને અધિકારીઓ પોતપોતાના ક્ષેત્રમાં સેવા કાર્યની સાથે મોદી સરકારની સિદ્ધિઓ જણાવશે. પીએમ મોદીના નેતૃત્વમાં જી-20ના સફળ સંગઠનને પણ એક મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવશે. નિષ્ણાંતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી સતત 15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચશે.