અપડેટ@દેશ: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચુરલમાલા પહોંચ્યા અને પીડિતોને મળ્યા
રાહુલ-પ્રિયંકા પીડિતોને મળ્યા
Updated: Aug 2, 2024, 09:11 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં ગણા લોકોના મોત નીપજ્યા છે. કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 283 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240થી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમ છે. હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો ભય વ્યક્ત કર્યો છે.
આ દરમિયાન સેનાના જનરલ કમાન્ડર ઓફિસર મેજર જનરલ વીટી મેથ્યુએ જણાવ્યું હતું કે, બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે અમે માત્ર મૃતદેહો શોધવાનું કામ કરી રહ્યા છીએ. જો અમને ઘરમાં કોઈ ફસાયું હોય તો અમે તેને બચાવી લઈશું. વરસાદના કારણે કામકાજમાં સમસ્યા છે. અહીં આર્મીની 5 ટીમો અને 3 ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. જોખમને કારણે સાંજે કામગીરી બંધ કરી દેવામાં આવશે.
આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચુરલમાલા પહોંચ્યા અને પીડિતોને મળ્યા હતા. અહીં ભૂસ્ખલનથી સૌથી વધુ નુકસાન થયું છે. અહીંયા બંને રાહત શિબિરમાં પણ પીડિતોને મળ્યા હતા. રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહી છે.