અપડેટ@દેશ: રાહુલે કહ્યું- વડાપ્રધાન મોદી NEET પર ચર્ચા કરે, વિપક્ષ દેશની પરિસ્થિતિને સમજે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સંસદના સત્રનો પાંચમો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. પરંતુ કાર્યવાહી શરૂ થયાની 15 મિનિટમાં જ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, કાર્યવાહી ફરી શરૂ થતાં વિપક્ષે ફરી એકવાર હોબાળો મચાવ્યો હતો. જે બાદ લોકસભા સોમવાર 1 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિપક્ષ NEET પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત દરખાસ્ત લાવ્યા હતા. જેના પર લોકસભાના સ્પીકરે કહ્યું કે નિયમો અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ દરમિયાન સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવતો નથી.
બીજી તરફ, સંસદમાં જતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું પીએમને વિનંતી કરું છું કે તેઓ NEET મુદ્દે સન્માનપૂર્વક ચર્ચા કરે. દેશના યુવાનો નર્વસ છે. તેઓ જાણતા નથી કે શું થવાનું છે. સંસદમાંથી સંદેશ આપવો જોઈએ કે સરકાર અને વિપક્ષ તેમની ચિંતાઓને લઈને સાથે છે.
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. પરંતુ અહીં પણ વિપક્ષે NEET મુદ્દે હોબાળો મચાવ્યો, ત્યારબાદ કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
24 જૂનથી શરૂ થયેલું સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. પીએમ મોદી 3 જુલાઈએ રાજ્યસભામાં સવાલનો જવાબ આપી શકે છે.