અપડેટ@દેશ: રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય યુવાનનું મોત, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

પુત્રનો મૃતદેહ રશિયાથી ભારત લાવવા સરકારને વિનંતી
 
અપડેટ@દેશ: રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય યુવાનનું  મોત, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીયનું મોત થયું છે. ગુજરાતના 23 વર્ષીય હેમિલ માંગુકિયાનું 21 ફેબ્રુઆરીએ મિસાઈલ હુમલામાં મોત થયું હતું. હેમિલના અંતિમ સંસ્કાર વગર જ સોમવારે તેનું બેસણું કરવામાં આવશે. હેમિલ સુરતના પાટીદાર વિસ્તાર વરાછામાં આનંદનગર વાડીનો રહેવાસી હતો. માંગુકિયા પરિવારે પુત્ર હેમિલના મૃતદેહ અંતિમ સંસ્કાર વગર જ સોમવારે સાંજે સુરતના વરાછા સ્થિત આનંદનગર વાડીમાં તેમના ઘરે બેસણું કરવાનું નક્કી કર્યું છે.

હેમિલના પિતા અશ્વિન માંગુકિયા સુરત માં એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરે છે અને તે ખૂબ જ પરેશાન છે. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “અમે આપણી સરકારને રશિયન સત્તાવાળાઓ સાથે વાતચિત કરવા અને પુત્રનો મૃતદેહ તેના ઘરે સૂરત લાવવા વિનંતી કરીયે છીએ. 21 ફેબ્રુઆરીના રોજ તેનું નિધન થયું છે. અમને એ પણ ખબર નથી કે તેનો મૃતદેહ ક્યા છે અને અન્ય કોઇ વ્યક્તિઓનો કોન્ટેક્ટ પણ નથી, જેમનો અમે સંપર્ક કરી શકીયે. અમે લાચાર છીએ.

તેમણે જણાવ્યું કે, હેમિલે તેમની સાથે છેલ્લીવાર 20 ફેબ્રુઆરીએ વાત કરી હતી. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ હેમિલનું અવસાન થયું. હેમિલે તેના પિતાને કહ્યું કે તે ઠીક છે પરંતુ તેની નોકરી વિશે ખુલાસો કર્યો ન હતો. પરિવાર માત્ર જાણતો હતો કે તે રશિયામાં હેલ્પર તરીકે કામ કરે છે. તેઓને પાછળથી ખબર પડી કે હેમિલને યુક્રેન સરહદ પરના યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો છે.

મૃતકના પિતાએ કહ્યું કે, તેમને હેમિલના મૃત્યુના સમાચાર 23 ફેબ્રુઆરીએ મળ્યા. તેમણે કહ્યું, “હૈદરાબાદના રહેવાસી ઈમરાને શુક્રવારે (23 ફેબ્રુઆરી) સાંજે 6 વાગે અમને ફોન કર્યો અને તેના મૃત્યુની જાણકારી આપી. તેમણે કહ્યું કે તે રશિયા યુદ્ધ ક્ષેત્રમાં મિસાઈલ હુમલામાં માર્યો ગયો. ઈમરાનનો ભાઈ હેમિલની સાથે હતો તેમણે અમને આ ઘટના વિશે જણાવ્યું અને અમે સંપૂર્ણપણે ચોંકી ગયા. અમે 20 ફેબ્રુઆરીની રાત્રે હેમિલ સાથે વાત કરી અને તે એકદમ ઠીક હતો. જ્યારે અમે તેને પૂછ્યું કે તે કેવા પ્રકારનું કામ કરે છે, ત્યારે તેણે અમને વધારે જણાવ્યું નહીં.

એક કૌટુંબિક સુત્રે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, હેમિલે 12 ધોરણ સુધી ભણ્યા બાદ અભ્યાસ છોડી દીધો અને તેના પિતરાઈ ભાઈઓ સાથે નાનો એમ્બ્રોઈડરીનો વ્યવસાય શરૂ કર્યો. તેના પિતાના જણાવ્યા મુજબ, હેમિલ બાદમાં વેબસાઇટ દ્વારા એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો, જે રશિયામાં હેલ્પરની નોકરીઓ ઓફર કરતા હતા.