અપડેટ@દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી ભાજપ-અકાલી સાથે મળીને લડશે

6 વર્ષ બાદ ગઠબંધન, શાહે કહ્યું - CM અકાલી દળના હશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પંજાબના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય જનતા પાર્ટી અને શિરોમણિ અકાલી દલે 6 વર્ષ બાદ ફરી હાથ મિલાવી દીધા છે.ગુરુ નાનક દેવજીની જયંતિના દિવસે દિલ્હીમાં BJP મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને અકાલી દલના પ્રમુખ સુખબીર સિંહ બાદલે સાથે મળીને ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી.

*NDAમાં જૂના સાથીની વાપસી*

શાહે કહ્યું, "આજે NDAના સૌથી જૂના સાથીની NDAમાં વાપસી થઈ છે. BJP અને અકાલી દલનું નાતું હંમેશા અતૂટ રહ્યું છે. આ ગઠબંધન હિન્દુ-શીખ ભાઈચારાનું પ્રતીક બનશે."

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ ખુશ થયા અને તેમણે જાતે સુખબીર બાદલને ફોન કરીને શુભેચ્છા આપી.

સુખબીર બાદલે પણ આ ગઠબંધનને ભાવનાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું કે, પ્રકાશ સિંહ બાદલ અને PM મોદીના વર્ષો જૂના સંબંધો રહ્યા છે.

*2020માં કેમ તૂટ્યું હતું ગઠબંધન?*

BJP-અકાલી દલનું ગઠબંધન લગભગ 24 વર્ષ ચાલ્યું હતું. બંનેએ 1997, 2002, 2007, 2012 અને 2017માં સાથે ચૂંટણી લડી હતી. તેમાંથી 3 વાર - 1997, 2007 અને 2012માં સરકાર પણ બનાવી હતી.

પરંતુ સપ્ટેમ્બર 2020માં ત્રણ કૃષિ કાયદાને લઈને મતભેદ થયા. ખેડૂત આંદોલન વખતે અકાલી દલે NDA છોડી દીધું હતું અને હરસિમરત કૌર બાદલે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

હવે 3 મહિનાની વાતચીત બાદ બંને ફરી એક થયા છે.

*શાહનું મોટું વચન - 31 ડિસેમ્બર 2029 સુધીમાં પંજાબ નશામુક્ત*

ગઠબંધનની જાહેરાત સાથે જ શાહે સૌથી મોટો એજન્ડા જાહેર કર્યો - પંજાબને નશા અને ભ્રષ્ટાચારથી મુક્ત કરવું.

તેમણે કહ્યું, "31 ડિસેમ્બર 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણપણે નશામુક્ત કરીશું."

આ દોઢ મહિનામાં ત્રીજી વાર છે જ્યારે શાહે આ જ વચન આપ્યું છે. આ પહેલા 20 ઓક્ટોબરે લુધિયાણામાં વિજયાદશમીના દિવસે અને 30 સપ્ટેમ્બરે જલંધરની રેલીમાં પણ તેમણે આ જ ડેડલાઈન આપી હતી.

શાહે કહ્યું કે, બંને પાર્ટી ટૂંક સમયમાં સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. તેમાં ખેડૂતો, ઉદ્યોગ અને યુવાનો માટે મોટા એલાન થશે.

*સીટ વહેંચણી પર હજુ વાત બાકી*

ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે, પણ સીટ વહેંચણી પર હજુ સહમતી બની નથી. પંજાબ વિધાનસભામાં કુલ 117 સીટ છે.

જૂના ફોર્મ્યુલા મુજબ અકાલી દલ 94 અને BJP 23 સીટ પર લડતી હતી. આ વખતે BJP લગભગ 55 સીટ માંગી રહી છે, જ્યારે અકાલી દલ લગભગ 45 સીટ આપવાના પક્ષમાં છે.

શાહે સ્પષ્ટ કર્યું કે, આ ચૂંટણીમાં અકાલી દલ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે અને મુખ્યમંત્રી પણ અકાલી દલનો જ હશે.

*કોંગ્રેસે કહ્યું - તકવાદી ગઠબંધન*

બીજી તરફ કોંગ્રેસે આ ગઠબંધનને તકવાદી અને પંજાબ વિરોધી ગણાવ્યું છે.

પંજાબમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ગઠબંધનથી પંજાબનું રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.