અપડેટ@દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે હોબાળો જોવા મળી રહ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધો પર ભારે હોબાળો થયો. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ દરમિયાન, વિદેશ મંત્રીએ પહેલા રાજ્યસભામાં અને પછી લોકસભામાં ઈરાન યુદ્ધ શરુ થયા બાદ ગલ્ફ દેશોમાંથી ભારતીયોના પાછા લાવવા અને તે બાબતની તૈયારીઓ વિશે વાત કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર ભાષણ આપ્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, "28 ફેબ્રુઆરીથી મિડલ ઈસ્ટમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. ઘણા ખાડી દેશોમાં પરિસ્થિતિ તંગ છે. વાતચીત થવી જોઈએ અને તણાવ ઓછો થવો જોઈએ. અમે ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. વિદેશ પ્રધાન એસ.જયશંકરના નિવેદનો સાંભળીને વિપક્ષના સાંસદો હોબાળો મચાવી રહ્યા હતા.
જયશંકરે કહ્યું- મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે ગલ્ફ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઘણી એડવાઈઝરી જારી કરી છે. ઈરાનમાં રહેતા તમામ લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે. અમે આ વિસ્તારોમાં રહેતા ભારતીય સમુદાયના તમામ સભ્યોને મદદ કરવા તૈયાર છીએ. ગલ્ફ દેશોમાં તમામ દૂતાવાસ એક્ટિવ છે.
જયશંકરે કહ્યું- અમારા રાજદ્વારીઓ તેહરાન, યુએઈ, દુબઈ અને બહેરીનથી ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. અમે ભારતીયોને પાછા લાવવા માટે ઘણી કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવી છે. 67,000 ભારતીયો પહેલાથી જ પાછા ફર્યા છે. ગલ્ફ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જયશંકરે કહ્યું- પીએમ મોદીએ યુએઈ, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન, ઓમાન અને ઇઝરાયલના પીએમ સાથે વાત કરી છે. હું આ દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ નિયમિત સંપર્કમાં છું. અમે અમારા રાજદ્વારી માધ્યમો દ્વારા પણ વાતચીત કરી રહ્યા છીએ. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.
સરકાર ઊર્જા ક્ષેત્રની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. અમે ક્રુડ ઓઈલ-ગેસના ભાવ પર નજર રાખી રહ્યા છીએ.
વિદેશ મંત્રીના બોલતા જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષે વોકઆઉટ કર્યો. જયશંકરે કહ્યું, 'આ સમયે ઈરાનના નેતૃત્વ સાથે સંપર્ક મુશ્કેલ છે, પરંતુ ભારત શાંતિ અને વાતચીતના પક્ષમાં છે.' કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'મિડલ ઈસ્ટ યુદ્ધની ભારત પર અસર પડી રહી છે, ઊર્જા સંકટ પર શોર્ટ ડિબેટ થવી જોઈએ.'

